માણસા તાલુકાના દેલવાડા ગામે મતદાનના દિવસે ઘરે પરત ફરી રહેલા પરિવારને રોકી કૌટુંબિક બે પિતરાઈ ભાઈઓએ ઉછીના પૈસા બાબતે ઉઘરાણી કરી બીભત્સ ગાળો બોલી ગડડાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે ઇજાગ્રસ્તે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના દેલવાડા ગામે રહેતા અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 40 વર્ષીય પ્રતાપભાઈ જયંતીભાઈ સેનમા ગત 5 તારીખના રોજ ચૂંટણી હોવાથી માતા પત્ની અને ભાઈ ભાભી સાથે ગામમાં મતદાન કરવા માટે ગયા હતા અને બપોરે પરત ઘરે આવી રહ્યા હતા. તે સમયે રસ્તામાં તેમના કૌટુંબીક કાકાના દીકરા લાલાભાઇ ડાહ્યાભાઈ સેનમાંના પાર્લર પાસે પહોંચ્યા તે વખતે લાલાભાઇએ તેમને રોકી મેં આપેલા પૈસા કેમ પરત આપતો નથી તેમ કહી ગાળો બોલવા લાગતા પ્રતાપભાઈએ તેને પરિવાર સાથે હોવાથી ગાળો બોલવાનીના પાડતા તે વધુ ઉશ્કેરાયો આવ્યો હતો.
પ્રતાપભાઈને નીચે પાડી માર મારવા લાગ્યો હતો અને આ વખતે તેમના માતા અને પત્ની છોડાવવા માટે આવતા તેમને પણ તે માર મારવા લાગ્યો હતો. આ સમયે લાલાભાઈનો ભાઈ અરવિંદભાઈ ડાહ્યાભાઈ સેનમાં પણ આવી પહોંચ્યો હતો અને બંને જણાએ ભેગા મળી પ્રતાપભાઈ તેમજ તેમની માતા અને પત્નીને ગડદાપાટુનો માર મારવા લાગતા તે સમયે ભારે હોબાળો થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જતા જતા પણ આ બંને હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કૌટુંબિક સગા હોવાના કારણે તે સમયે ઇજાગ્રસ્ત પરિવારે ફરિયાદ કરી ન હતી, પરંતુ ભવિષ્યમાં બીજી વખત હુમલો કરશે, તેવા ભયના કારણે તેમણે માણસા પોલીસ સ્ટેશને હુમલાખોર બે ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.