વૃક્ષછેદન:સમૌના ગૌચરમાંથી વૃક્ષો ગેરકાયદે રીતે કાપી નખાતાં 6 સામે ફરિયાદ

માણસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 કોન્ટ્રાક્ટરોને 82 હજાર રૂપિયા આપી માણસો બોલાવી તેમજ જેસીબીથી વૃક્ષછેદન કરાતાં કલેક્ટર સહિત સંબંધિત વિભાગને ફરિયાદ

માણસા તાલુકામાં આવેલ સમૌ ગામે છેલ્લા કેટલાક સમયથી બે સમાજ વચ્ચે પંચાયત અલગ થવાના કારણે હદનો વિવાદ ચાલી રહ્યો છે. હવે ગામના ગૌચરમાંથી એક સમાજના લોકોએ મહા સંમેલનની તૈયારીના ભાગરૂપે ગોચરમાં આવેલા વૃક્ષોને ગેરકાયદેસર કાપી નાખવામાં આવતા ગામના નાગરિકે ગુનો કરનાર છ વ્યક્તિ વિરુદ્ધ જિલ્લા કલેકટર સહિત દરેક વિભાગને આ બાબતની જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

માણસા તાલુકામાં આવેલ સમૌ ગામમાં વસવાટ કરતા બે સમાજો વચ્ચે અવારનવાર અણ બનાવ બનતા હોવાથી પંચાયતનું વિભાજન કરી બે સમાજોનું વૈમનષ્ય ઘટાડવાના પ્રયત્નો થયા હતા. પરંતુ તે વખતના હદ વિવાદને લઈ અનેક પ્રશ્નો હજુ પણ ઉભા છે. જેમાં હવે ગામની ગોચરમાં ગેરકાયદેસર વૃક્ષછેદનનો વિવાદ છેડાયો છે. સમૌ ગામથી સોલૈયા રોડ પર જતા ગામનું ગૌચર આવેલું છેે.

તમામ ગોચર ગ્રામ પંચાયતની માલિકીનું અને તેના હસ્તક રાખવામાં આવેલું છે. જેમાં બે દિવસ અગાઉ ગોચરમાં રહેલા કેટલાક વૃક્ષોને કાપી નાખવામાં આવતા ગામના મહેન્દ્રસિંહ શિવાજી ચાવડાએ આ બાબતે કલેકટર જિલ્લા વિકાસ અધિકારી માણસા પીઆઇ સહિતને એક ફરિયાદ આપી હતી. સમૌ ગામની માલિકીની ગોચરની જમીનમાં જાન્યુઆરી મહિનામાં ચૌધરી સમાજનું મહા સંમેલન યોજાવાનું છે અને આ બાબતે પંચાયતમાં મંજૂરી માંગવામાં આવી હતી. તે વખતે મંજૂરી માગનાર લોકોએ ગોચરની જમીનમાં કોઈપણ જાતનું પાકું બાંધકામ કરવામાં નહીં આવે અને જે તે પરિસ્થિતિમાં રહેવા દઈ તેનો ઉપયોગ કરવામાં આવશે.

આ પ્રમાણેની લેખિત બાંહેધરી બાદ પંચાયતે ગોચરની જમીનમાં સાફ-સફાઈ કરવા માટે તેમજ ઉપયોગ કરવા માટે મંજૂરી આપી હતી, તેમ છતાં ગત રવિવારના રોજ સોલૈયા ગામના એક વ્યક્તિ તથા સમૌ ગામના ત્રણ અને ઝાડ કાપનાર બે બાલવા ગામના કોન્ટ્રાક્ટર મળી છ વ્યક્તિઓએ પંચાયત કે અન્ય કોઈપણ જગ્યાએથી મંજૂરી મેળવ્યા સિવાય ગેરકાયદેસર રીતે ગોચરમાં આવેલા વૃક્ષો કાપી નાખ્યા હતા. આ બાબતે તપાસ કરતા બે કોન્ટ્રાક્ટરોને 82 હજાર રૂપિયા આપી માણસો બોલાવી તેમજ જેસીબીથી ગેરકાયદેસર વૃક્ષછેદન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...