તપાસ:કેનેડાનું કહીંને યુવકને ઠગ એજન્ટો દ્વારા ગોંધી રાખી 22 લાખ પડાવવાનો પ્રયત્ન, 9 સામે ફરિયાદ

માણસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરગાસણ ખાતે રહેતા યુવકનો 5 દિવસથી કોઈ પત્તો નહીં, પોલીસે શોધખોળ શરૂ કરી

ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતાં યુવકને વિદેશ મોકલવાનું કહીંને ઠગ એજન્ટો દ્વારા ગોંધી રખાયાની ઘટના બની છે. એજન્ટોએ 50 લાખમાં કેનેડા મોકલવાનું નક્કી કરાયું હતું. જેમાં કેનેડા પહોંચે ત્યારે અડધુ પેમેન્ટ આપવાની વાત કરી હતી. જોકે યુવક કેનેડા ન પહોંચતા એજન્ટો દ્વારા તેને ગોંધી રખાયો હોવાની શંકા છે. એજન્ટો દ્વારા યુવક કેનેડા પહોંચ્યો હોવાના પુરાવા વગર જ પૈસાની કડક ઉઘરાણી કરતાં અને બીજી તરફ યુવકનો કોઈ સંપર્ક ન થતાં પરિવારે સમગ્ર મુદ્દે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરબતપુરા ગામે રહેતા અને ઈલેક્ટ્રીકના વેપારી પરેશભાઈ પટેલના ગાંધીનગર સરગાસણ ખાતે રહેતા સાળા અંકિતને વિદેશ મોકવાનો હતો. જે માટે તેઓએ ગામના રમણભાઈ પટેલને વાત કરતાં તેઓએ પરિચિત અમદાવાદના બે એજન્ટ દીપેન ભુપેન્દ્રભાઈ પટેલ અને ઋષભ સુરેન્દ્રકુમાર શાહનો સંપર્ક કરાવ્યો હતો. બંને એજન્ટે 50 લાખમાં અંકિતને કાયદેસરના અમેરિકાના વિઝા અપાવી મોકલી દેવાની વાત કરીને પહેલાં કેનેડા મોકલીને અડધી રકમ આપવાની શરત મુકી હતી. 6 જુલાઈના રોજ અંકિતને 3,000 કેનેડિયન ડોલર સાથે અમદાવાદ એરપોર્ટથી કોલકાતા મોકલી પરિવારજનો ઘરે પરત આવ્યા હતા.

યુવકે પોતે કોલકાતા પહોંચી ગયો હોવાનું થતા સાગરભાઈ અને વિજયભાઈ નામના લોકો એરપોર્ટ પર લેવા આવ્યા હોવાનો ફોન કર્યો હતો. બીજા દિવસે સવારે અમદાવાદના એજન્ટે પરેશભાઈને ફોન કરીને અમેરિકન ડોલર લેવાની વાત કરી હતી. જેને પગલે પરિવારે માણસાથી આંગડિયા દ્વારા કોલકાતા અંકિતને એક લાખ રૂપિયા મોકલાવ્યા હતા. જે બાદ સાંજે યુવકે ફોન કરીને રાત્રે દિલ્હીથી ફ્લાઈટ હોવાની વાત કરી હતી.

એજન્ટો શરત મુજબ 22 લાખની ઉઘરાણી કરવા લાગ્યા
અમદાવાદના બે એજન્ટો શરત મુજબ 22 લાખની ઉઘરાણી કરવા લાગ્યા હતા. જેથી પરેશભાઈએ ખાતરી થયા પછી જ પૈસા આપવાનું કહ્યું હતું. જેથી સોમવારે અમદાવાદ જમાલપુરથી સરફરાજ અહેમદ હુસેન કકુવાલા અને તૌફિક હાજીમોહમ્મદ ગુલ ગુલવાલા નામના 2 શખ્સ પરેશભાઈને મળવા આવ્યા હતા. તેઓને 22 લાખની માંગણી કરતા સામે પરિવારે અંકિત ખરેખર ક્યાં છે તે બાબતે પૂછતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બંને શખ્સોએ, ‘વડોદરાના ભાર્ગવ પ્રમોદભાઈ પટેલ તથા રાણીપ અમદાવાદના દેવાંશ જીતેનકુમાર પંચાલના કહેવાથી પૈસા લેવા આવ્યા છે. અંકિત ક્યાં છે તે ખબર નથી’ જણાવ્યું હતું.

પરિવારે કેનેડાનું લોકેશન બતાવવાનું કહેતાં ફોન બંધ થઈ ગયો
7મીએ મોડી રાત્રે અંકિતે ઘરે ફોન કરીને કેનેડા જવા માટે નીકળી ગયો હોવાનું કહેતાં પરિવારે કેનેડાના ટોરેન્ટોમાં રહેતા પરિચિતને એરપોર્ટ પર મોકલ્યા હતા. સંબંધી એરપોર્ટ પર ઘણો સમય રાહ જોઈ પરંતુ અંકિત ત્યાં પહોંચ્યો ન હતો અને બીજા દિવસે યુવકે વિડીયો કોલ કરી પરિવારજનોને જણાવ્યું હતું કે, ‘હું કેનેડા પહોંચી ગયો છું’ જેથી પરેશભાઈ તથા ઘરના સભ્યોએ તેને આજુબાજુનું લોકેશન બતાવવા માટે કહેતા તેનો ફોન બંધ થઈ ગયો હતો. આથી ઘરના સભ્યોને શંકાઓ સાથે ચિંતા પેઠી હતી.

કેનેડાના નામે યુવકને ગોંધી રાખીને પૈસા પડાવવાનો પ્રયત્ન
યુવકનો કોઈ પત્તો ન લાગતાં સમગ્ર મુદ્દે પરિવારે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારને શંકા છે કે કેનેડાને નામે યુવકને ગુજરાત કે ગુજરાત બહાર ક્યાંક ગોંધી રખાયો છે. પ્રથમ બે દિવસ ધાક ધમકીથી તેની પાસે ફોન કરાવ્યા હોવાની શક્યતા છે. સમગ્ર કેસમાં પોલીસે 9 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ગોંધી રખાયેલા યુવક સાથે પૈસા લેવા આવેલા અને જે લોકોના નામ સામે આવ્યા છે તે તમામ લોકોની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...