રોષ:સમૌ-હનુમાનપુરા પંચાયત વચ્ચે હદ બાબતે ઉકળતો ચરૂ

માણસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નક્કી કર્યા મુજબનો વિસ્તાર ન ફાળવાતાં ગામોમાં રોષ
  • અધિકારીઓ સ્થળ પર આવી ગ્રામજનોને સાંભળે તથા હદ નક્કી ન થાય ત્યાં સુધી ચૂંટણી ન યોજવા માગણી

તાલુકાના સમૌ ગામથી અલગ બનાવવામાં આવેલી હનુમાનપુરા ગ્રામ પંચાયતની હદના મુદ્દે બંને ગ્રામજનો વચ્ચે ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. હનુમાનપુરા પંચાયતની નક્કી કરવામાં આવેલી હદ બાબતે વિરોધ નોધાવ્યો છે. અધિકારીઓએ સ્થળ પર આવી ગ્રામજનોને સાંભળી હદ નક્કી કરાય, તેવું ઇચ્છતા ગ્રામજનોએ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી પંચાયતની ચૂંટણી પણ ન યોજવા માગણી કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકામાં આવેલા સમૌ ગામમાં બે સમાજો વચ્ચે અવાર-નવાર મોટા ઝઘડા તેમજ વિવાદોને કારણે આખરે પંચાયતની સંમતીથી હનુમાનપુરા ગામ પંચાયત અલગ અસ્તિત્વમાં આવી છે. પરંતુ નવી બનેલ પંચાયતની હદ બાબતે ગ્રામજનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે, જે હેતુથી પંચાયત નવી બનાવવામાં આવી છે તે હેતુ હદ નક્કી કરવાથી પૂરો થશે નહીં, પરંતુ ભવિષ્યમાં વિવાદ વધશે તેવી દહેશત વ્યક્ત કરી છે.

સમૌ પંચાયતથી ઓછામાં ઓછા 1000 મીટરના અંતરે ગામ તળાવની બાજુથી સ્મશાન ગૃહથી જૈન મંદિરના મકાન આગળ થઈને સતી માતાના મંદિરેથી વેરાઈ માતાના મંદિરે થઈને સમૂહ ગામથી આશરે 1000 મીટર દૂર લીમડા ચોકના સમગ્ર જ્ઞાતિના સ્મશાન છોડી જગ્યા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

હવે જે હદ નક્કી કરવામાં આવી છે તે પ્રમાણે સમૌ ગ્રામ પંચાયત વન કુટીરથી જૂનું બસ સ્ટેન્ડ હનુમાનજી મંદિર અને વેરાઈ માતાના મંદિરની બાજુમાં પડુસમા તરફ જતું જૂનું નાળિયું તેઓ હદ નક્કી કરી છે, જે સમગ્ર ગામના લોકોને મંજૂર નથી. કારણ કે આ હદ નક્કી કરતા બંને પંચાયત વચ્ચેનું અંતર 1000 મીટરના બદલે ફક્ત 5થી 50 મીટર જેટલું જ રહે છે, જેના કારણે ભવિષ્યમાં બે સમાજો વચ્ચે ફરીથી નાના-મોટા વિખવાદ ઝઘડા થશે તેવી દહેશત વ્યક્ત કરી છે.

જેથી અધિકારીઓ સમૌ ગામે સ્થળ પર આવી તપાસ કરાવી ગામના દરેક જ્ઞાતિના આગેવાનોને બોલાવી સાથે રાખીને હનુમાનપુરા ગ્રામ પંચાયતની જગ્યા હદ નક્કી કરે તો પ્રજાજનોના ભવિષ્યના હિતમાં લાભ રહેશે. જ્યાં સુધી આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આગામી પંચાયતની ચૂંટણી પણ જાહેર કરવામાં ન આવે તેવી સમૌ ગ્રામજનોએ માંગ કરી છે.

પંચાયતોની ચૂંટણી યોજાઈ ત્યારે સમૌ અને હનુમાનપુરા ગામોનમાં પંચાયતની ચૂંટણી યોજાઈ નહોતી. કારણ કે ચૂંટણીની જાહેરાત કરાઈ તે અગાઉ ટૂંકા ગાળામાં જ સમૌ અને હનુમાનપુરા ગામો જુદાં કરવામાં આવ્યાં હતાં. જોકે એક ગામમાંથી બે ગ્રામ પંચાયતની જાહેરાત કરાયા છતાં બંને ગામોની હદ નક્કી કરાઈ ન હતી અને ત્યારથી અત્યાર સુધી હદના વિવાદને કારણે બંને ગામોના લોકોમાં રોષ ફેલાયો છે. હવે જ્યારે બંને પંચાયતોની મુદત પૂરી થવા જઈ રહી છે ત્યારે ગામલોકોએ આ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...