માણસાના બિલોદરા ગામે પંચાયતની બેદરકારીના કારણે જાહેર રસ્તા પર ગંદકી અને કીચડના થર જામ્યાં છે. બિલોદરામાં મુખ્ય હાઈવેથી ગામમાં પ્રવેશવાના પાકા રોડની હાલત છેલ્લા ઘણા સમયથી ખરાબ થઈ ગઈ છે. રોડ પર પડેલા નાના-મોટા ખાડામાં પાણી ભરાતા કાદવ-કીચડ થાય છે.
આ ઉપરાંત ગામના આંતરિક રસ્તાઓ પણ તૂટી ગયા છે. રસ્તા પર રહેણાંક વિસ્તારનું પાણી સતત વહેતું રહે છે અને સાથે તૂટેલી ગટરોનું પાણી પણ રસ્તાઓ પર ફરી વળે છે. જેને પગલે વાહન ચાલકો અને ચાલતા જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી તરફ સાફ-સફાઈ બાબતે પણ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જેને પગલે ગામમાં ઠેર-ઠેર કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. આ બાબતે ગામના જાગૃત યુવાનો અને ગ્રામજનોએ અનેક વખત પંચાયતમાં રજૂઆતો કરી હોવા છતાં પણ ગામની કાયમી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
કાદવ-કિચડ અને ગંદકીના થર સાફ કરવાની તો દૂર પરંતુ ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી. જેના કારણે ભવિષ્યમાં કોઈ મોટો રોગચાળો ફાટી નિકળે તેવી ભીતિ પણ ગ્રામજનોમાં છે. આ બધી સમસ્યાઓનો કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવાનું પણ વિચારી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.