છેતરપિંડી:બાપુપુરાના ખેડૂતના 3 લાખના બટાકા ખરીદી હિંમતનગરના વેપારીની ઠગાઈ

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી માલ ખરીદી ફોન બંધ કરી ગાયબ થઈ ગયો​​​​​​​ હતો

માણસા તાલુકાના બાપુપુરા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં બટાકાનું વાવેતર કર્યું હતું. ગત સિઝનમાં હિંમતનગરના બટાકાના વેપારી સાથે વેચાણ થયું હતું. જેને લઇને ફરીથી ચાલુ સિઝનના 1,351 મણ બટાકા વેચાણ આપ્યા હતા. વેપારીએ નક્કી કરેલા વાયદા પ્રમાણે પૈસા આપ્યા ન હતા.

જેથી ખેડૂતે અવારનવાર ફોન કરી તેમજ તેના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો અને કેટલાક દિવસથી ખેડૂતનો ફોન ઉપાડવાનું બંધ કરી દેતા આખરે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા ખેડૂતે માણસા પોલીસ સ્ટેશને હિંમતનગરના વેપારી વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા પાસે આવેલા બાપુપુરા ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય દશરથભાઈ ભગવાનભાઈ ચૌધરીએ વર્ષ 2020માં તેમના ખેતરમાં બટાકાનું વાવેતર કર્યું હતું. તે વખતે હિંમતનગર ખાતે પોલાજપુર રો-હાઉસ સ્વાગતની સામે મકાન રહેતો શાહીનુર રહીમખાન પઠાણ નામનો બટાકાનો વેપારી તેમને ત્યાં આવ્યો હતો અને તે વખતે તેમના ખેતરના બટાકા જોઈ રોકડા પૈસા આપી બટાકાની ખરીદી હતી.

તે વખતે પોતાનો મોબાઈલ નંબર આપી બીજી સિઝનમાં અમોને તમારા બટાકા આપજો એવું કહ્યું હતું. જ્યારે આ વખતે ખેડૂતે તેમના ખેતરમાં બટાકાનું વાવેતર કર્યું હતું. તે વખતે પણ વેપારી અવારનવાર ફોન કરતો હતો, ત્યારબાદ ચાલુ વર્ષે ખેડૂતે પોતાના 4 વીઘાના ખેતરમાં બટાકા તૈયાર થઈ જતા ખેડૂતે ફોન કરી શાહિનૂરને તેમના ખેતરમાં બોલાવ્યો હતો.

તેણે આવી બટાકા જોઈ પોતે ખરીદવા માટે તૈયારી બતાવી એક મણના 220 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો. ત્યારબાદ 23 માર્ચના રોજ વેપારીએ બે લોડિંગ ગાડી મોકલી ખેડૂતના 2,97,275 રૂપિયાના 1,351 મણ બટાકાના 517 કટ્ટા ભરાવ્યા હતા. તે વખતે ખેડૂતે પૈસાની માગણી કરતા વેપારીએ તેની પાસે હાલ રોકડા ન હોવાથી 10 દિવસમાં બધું પેમેન્ટ ચૂકતે કરી દેશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. તેમ છતાં વેપારીએ પેમેન્ટ ન ચૂકવતા ખેડૂતે અવારનવાર ફોન કર્યા હતા.

તે વખતે ખોટા વાયદા કરી વેપારી ખેડૂતને નાણાં આપતો ન હતો. જેથી ખેડૂત જાતે તેના ઘરે જતાં તે ઘરે પણ મળી આવ્યો ન હતો. ત્યારબાદ આ વેપારીએ ખેડૂતના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા દશરથભાઈએ છેતરપિંડી કરનાર હિંમતનગરના શાહીનૂર પઠાણ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...