માણસા તાલુકાના મંડાલી ગામે પૈસાની લેતી-દેતીમાં યુવક પર હુમલો થયો હતો. મંડાલી ગામે દંતાણી વાસમાં રહેતો જયેશ સુરેશભાઈ દેવીપુજક ઇકો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે મોડી સાંજે તે ઘરે હાજર ન હતો તે સમયે ગામનો સચિન જયેશભાઈ દેવીપુજક તેના દાદા રમણભાઈ અને કાકા સંજયભાઈ એમ ત્રણે લોકો તેના ઘરે આવ્યા હતા. પૈસાની લેતી-દેતી બાબતે જયેશના પરિવારના સભ્યો સાથે ઝઘડો કર્યો હતો જે બાબતની જાણ મોડેથી ઘરે આવેલા યુવકને થતા તે સચિનને મળ્યો હતો.
‘પૈસાની લેવડ દેવડ આપણા બંને વચ્ચે છે તો તું મારા ઘરે જઈને કેમ ઝઘડો કરે છે’ તેવું કહેતાં સચિન ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરવા લાગ્યો હતો. તેને ગાળો બોલવાની ના પાડતાં તે વધુ ઉશ્કેરાઇ જઇ તેના ઘરમાંથી લાકડાનો ધોકો લઈ આવી જયેશ ઉપર તૂટી પડ્યો હતો. જેમાં જયેશના પગના ભાગે તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.
વખતે ભારે હોબાળો થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. જતાં જતાં હુમલાખોરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને વિસનગરની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેણે હુમલાખોર અને ઝઘડો કરનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.