હિચકારો હુમલો:માણસાના હરણાહોડા ગામે ગાડીનો કાચ તૂટવા બાબતે 4 શખસનો હુમલો

માણસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાચ કેમ તોડ્યો કહી ઝગડો કરતા 2 લોકો ઉપર હિચકારો હુમલો કર્યો

માણસા તાલુકાના હરણાહોડા ગામે સાંજના સમયે ગામમાં રહેતા ચાર ઈસમોએ તેમની ગાડીનો કાચ કેમ તોડ્યો કહી ઝઘડો કરી બે લોકો પર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ઇજાગ્રસ્તના પાર્લરને આગ લગાડવાની કોશિશ કરી હતી. જે બાબતે ઇજાગ્રસ્તે ચારેય હુમલાખોર વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના હરણાહોડા ગામે ગોગાપુરાવાસમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા વિષ્ણુજી ધૂળાજી રાઠોડના કાકાના દીકરાના લગ્ન હોવાથી રવિવારે સાંજે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. તે વખતે વરઘોડો બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે ગામમાં જ રહેતા યુવરાજસિંહ નરેન્દ્રસિંહ ચાવડા, જીગર વિક્રમસિંહ ચાવડા, સિધ્ધરાજસિંહ હસુસિંહ ચાવડા, વિસુસિંહ મનુજી ચાવડા તેમના બાઈક લઈ વરઘોડામાં પહોંચી ગયા હતા અને વિષ્ણુજીના ભત્રીજાને બોલાવી તે અમારી ગાડીનો કાચ કેમ પડ્યો હતો તેવું કંઈ ઝઘડો કરી મારા-મારી કરી હતી.

તે સમયે વિષ્ણુજી તેમને છોડાવવા માટે ગયા ત્યારે આ ચાર પૈકી બે જણાએ તેમને પકડી રાખ્યા હતા અને સિદ્ધરાજસિંહે તેના હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે હુમલો કરતાં માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. મારામારી બાદ ભારે હોબાળો થતાં ચારે હુમલાખોર જાનથી મારી નાખવાની ધમકી આપી ઇજાગ્રસ્ત વિષ્ણુજીના ભાઈના ગામમાં પાર્લર પર જઈ તેને આગ લગાડવાની કોશિશ કરી બાજુની એક દુકાનનો સરસામાન વેરવિખેર કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. જે બાબતે ઇજાગ્રસ્તએ ચારે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...