મુશ્કેલી:માણસા મામલતદાર સહિત 5 અધિકારીઓ ચાર્જમાં હોવાથી અરજદારોને ધરમ ધક્કા

માણસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોનું સમયસર કામ નહીં થતાં કાયમી અધિકારી મુકવા માંગ

માણસા તાલુકાના મામલતદાર સહિત પાંચેક અધિકારીઓ ચાર્જમાં કામ કરી રહ્યા હોવાથી તાલુકાના લોકોને કામ માટે ધીરજ, ધક્કાની સાથે સાથે આર્થિક માર સહન કરવાની સ્થિતિ ઉભી થઇ છે. તાલુકાના લોકોની પરિસ્થિતિને જોતા મામલતદાર સહિતના અધિકારીઓની કાયમી નિમણૂંક કરવા લોકોમાં માંગ ઉઠી છે. કોરોના સંક્રમણને નિયંત્રણ માટે હાલમાં લોકડાઉન-4 ચાલી રહ્યું છે. છેલ્લા એકાદ વર્ષથી મામલદાર સહિતના પાંચેક અધિકારીઓ ચાર્જમાં હોવાથી સ્થાનિક લોકોની હાલત કફોડી બની રહી છે. જેમાં અમદાવાદથી આવતા મામલતદારની આસપાસ કોરોના કેસ નોંધાતા હાલમાં તેઓ ક્વોરન્ટાઇન છે. જ્યારે તાલુકા વિકાસ અધિકારી નવા હોવાથી તાલુકાની પુષ્ઠભૂમિથી અજાણ હોવાથી અસરકારક કામગીરી કરી શકતા નથી. તેજ રીતે માણસા પોલીસ સ્ટેશનના પીઆઇની લોકડાઉન અગાઉ જ નિમણૂંક થઇ છે. જ્યારે માણસા નગરપાલિકાના ચીફ ઓફિસર ચાર વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. પરંતુ અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે લોકડાઉનમાં તાલુકાના લોકોને હાલાકી વેઠવાની ફરજ પડી છે.  જિલ્લા કલેક્ટરના સવારે 8થી સાંજે 4 કલાક સુધી બજાર ખુલ્લા રાખવાનું જાહેરનામું હોવા છતાં પોલીસ દ્વારા સવારે 10 કલાકે આવશ્યક સેવાઓ સહિતની દુકાનો બંધ કરાવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. તેમ છતાં પ્રજાના હિતમાં મામલદાર કચેરી તરફથી કોઇ જ નક્કર નિર્ણય કે આદેશ કરવામાં આવતો નહી હોવાનો સૂર લોકોમાં ઉઠ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...