માણસા પાસેના માણેકપુર ગામને જોડતા ગ્રામભારતી અને અંબોડનો રોડ છેલ્લા ઘણા સમયથી નવો બનાવવામાં આવ્યો નથી. વર્ષોજૂના બિસ્માર થઈ ગયેલા રોડને કારણે વાહનચાલકો તેમજ ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તંત્રમાં અનેક રજૂઆતો છતાં પણ નવા રોડ બન્યા નથી. જેના પડઘા આગામી ચૂંટણીમાં પડશે તેવું દેખાઈ રહ્યું છે જેથી ગ્રામભારતીથી માણસા વાયા માણેકપુર રોડની મરામત થાય તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.
માણેકપુર નજીકના ગામો સાથે જોડતા આંતરિક માર્ગો ઘણા સમયથી બિસમાર બની ગયા છે, તેમાં પણ ગાંધીનગર મહુડી હાઇવે પર આવેલા ગ્રામભારતી અને અંબોડ ગામ તરફના બંને રોડની હાલત ઘણી ખરાબ છે. અહીંથી પસાર થતા વાહનચાલકો ખરાબ રોડને કારણે અવાર નવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે. તૂટેલા રોડ સાંકડા સીંગલપટ્ટી ના હોવાના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવતો રહે છે અને આ બાબતે ગ્રામજનોએ રીંગરોડ કહેવાતો અંબોડથી માણેકપુર થઈ માણસા રોડ તથા ગ્રામભારતીથી મકાખાડ સુધીનો રોડ નવો બનાવી પહોળો કરી આપવા માટેની અવારનવાર રજૂઆતો કરી છે. છતાં હજુ સુધી રોડ નવા બનાવાયા નથી કે, મરામત પણ કરાઈ નથી.
માણસાથી ગાંધીનગર તરફ જવા અને સાદરા ખાતે આવેલ પ્રખ્યાત જક્ષણી માતાના મંદિરે જવાનો પણ આ ટૂંકો રસ્તો હોઇ બધાને અનુકૂળ અને સમય બચાવતો આ રોડ જલ્દી નવો અને પહોળો બને તેવી લોકો માંગ કરી રહ્યા છે. ચૂંટણી સમયે દેખાતા નેતાઓ પણ વચન આપી જતા રહેતા હોય છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં રોડના પ્રશ્ને ગ્રામજનોના આક્રોશનો સામનો નેતાઓએ કરવો પડશે તેવું લાગી રહ્યું છે. આ રીંગરોડ બાબતે માણેકપુર ગ્રામ પંચાયત દ્વારા પણ અવારનવાર આ બિસ્માર રોડની બન્ને તરફ ત્રણ ફૂટ પહોળો કરી મરામત કરાય અથવા નવો બનાવવા પત્રવ્યવહાર પણ કરાયો છે છતાં પણ હજુ સુધી આ રોડ બાબતે ઉકેલ આવ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.