ગાંધીનગરના લેકાવાડાના ત્રણ યુવકો રવિવારે બપોરે વિસનગર તાલુકાના કડા ગામે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે માણસા તાલુકાના લીંબોદરા ગામના પાટીયા પાસે પહોંચ્યા તે વખતે બાલવા તરફથી આવી રહેલી મારુતિ વાનના ચાલકે અચાનક પોતાનું વાહન લીંબોદરા ગામ તરફ વાળી દેતા એક્ટિવા સવાર ત્રણ યુવકો સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકટીવાના ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માત બાદ વાનનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો. જે બાબતે માણસા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના લેકાવાડા ગામે વણઝારાવાસમાં રહેતો ભાવેશ મારસંગજી ઠાકોર તથા તેના બે મિત્રો સુનીલજી પ્રતાપજી ઠાકોર અને અમરતજી પ્રતાપજી ઠાકોર ત્રણેય યુવકો ગત રવિવારના રોજ બપોરે ભાવેશનું એક્ટિવા લઈ ગાંધીનગરથી વિસનગર પાસે આવેલ કડા ગામે દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ ત્રણેય યુવકો કડા મંદિરે દર્શન કરી સાંજના 5:00 વાગે ત્યાંથી પરત નીકળ્યા હતા અને જ્યારે તેઓ ગાંધીનગર જવા માટે માણસા થઈ લીંબોદરા ગામના પાટીયા પાસે પહોંચ્યા હતા.
તે વખતે સામેથી બાલવા તરફથી આવી રહેલી એક મારુતિ વાન ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અચાનક લીંબોદરા ગામ તરફ વાળી દેતા એક્ટિવા ચાલક સુનિલજી કઈ સમજે તે પહેલા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને પગલે આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક એક્ટિવા પર સવાર ત્રણેય યુવકોને ઇજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર ખસેડ્યા હતા જેમાં સુનીલજી પ્રતાપજી ઠાકોરને માથાના ભાગે તેમજ ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું. જ્યારે ભાવેશ અને અમરતજીને નાની મોટી ઇજાઓ થઈ હોવાથી ગાંધીનગર સારવાર કરાવવામાં આવી હતી. બીજી બાજુ અકસ્માત સર્જનાર મારુતિ વાનનો ચાલક ભાગી છૂટ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.