માણસા તાલુકાના રીદ્રોલ ગામે આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનમાં મોડી રાત્રે અજાણ્યા ચોર ઈસમોએ દરવાજાનું તાળું તોડી અંદર મુકેલા કોમ્પ્યુટરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે બાબતની સવારે મેડિકલ ઓફિસરને જાણ થતા તેમણે માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના રીદ્રોલ ગામે સરકારી આયુર્વેદિક દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર હેમાંગીનીબેન આર્ય ફરજ બજાવે છે અને નિત્યક્રમ મુજબ ગઈકાલે તેઓ આખો દિવસ અહીં હાજર રહ્યા હતા. ત્યારબાદ સાંજે દવાખાનાના સેવકે ઘરે જવાના સમયે દવાખાનાના મુખ્ય દરવાજાને તાળું મારી ઘરે ગયા બાદ રાત્રીના કોઈપણ સમયે અહીં અજાણ્યા ચોર ઈસમો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા.
અને આ દવાખાનાના મુખ્ય દરવાજાનું તાળું તોડી તેમાં પ્રવેશ કરી અંદર મૂકવામાં આવેલા કોમ્પ્યુટરનું સીપીયુ, એલસીડી, કીબોર્ડ, માઉસ સહિતની આખી સિસ્ટમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે આજે શનિવારે સવારે દવાખાનાનો સેવક સવારે નોકરીના સમયે આવ્યો હતો.
તે સમયે દરવાજાનું તાળું તૂટેલું જોતા તેમણે મેડિકલ ઓફિસરને જાણ કરતાં તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને દરવાજો ખોલી અંદર જોતા કોમ્પ્યુટર સિસ્ટમની ચોરી થઈ હોવાનું માલૂમ પડતા તેમણે તાત્કાલિક માણસા પોલીસને જાણ કરી 30 હજાર રૂપિયાના કોમ્પ્યુટરની ચોરી થતાં ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.