તંગદિલીનો માહોલ સર્જાયો:માણસાના ઈટાદરા અથડામણના 5 આરોપી રિમાન્ડ પર: સગીરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયો

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બંદોબસ્ત તેમજ અગ્રણીઓની સમજાવટથી ગામમાં હાલ શાંતિનો માહોલ

માણસા તાલુકાના ઇટાદરા ગામમાં શુક્રવારે રાત્રે સગીરાની છેડતી બાબતે બે જૂથો વચ્ચે થયેલ અથડામણમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટોળાને વિખેરી હુમલાખોર છ આરોપીની ધરપકડ કરી ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ ઝડપાયેલા આરોપીઓને રવિવારે સાંજે કોર્ટમાં રજૂ કરતાં પોક્સોના એક સહિત પાંચ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બંને જુથોના અગ્રણીઓની સમજાવટથી હાલ ગામમાં શાંતિનો માહોલ છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. માણસા પાસે આવેલા ઇટાદરા ગામમાં શુક્રવારે રાત્રે ગામના બે યુવકો બાઈક લઈ એક સગીરાના ઘર પાસે પહોંચી ગયા હતા. રાત્રીના સમયે મોબાઈલથી સગીરાના ફોટો પાડવાની કોશિશ કરતા તેના પરિવારે આ બંને યુવકોને રોકી ઠપકો આપતા યુવકોએ ઝઘડો કર્યો હતો.

યુવકોએ ગાળાગાળી કરી જોઈ લેવાની ધમકી આપી ગામમાંથી સમાજના અન્ય લોકોને બોલાવી લાવી ભયનું વાતાવરણ સર્જ્યું હતું. હાથમાં તલવાર, ધારિયું, ધોકા લઇ આવેલા આઠથી દસ જણાના ટોળાએ ગામના એક યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો. બાઇકને નુકસાન પહોંચાડી અન્ય બે બાઈકની આગચંપી તેમજ વહાણવટી માતાના મંદિરની બહાર મુકવામાં આવેલ એલઇડી ટીવી ને નુકસાન પહોંચાડ્યું હતું.

માણસા પોલીસે બંને કોમના ટોળાંએ વિખેરી મામલો શાંત પાડ્યો હતો. સગીરાની તેમજ ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે હુમલાખોર છ શખ્સોને ઝડપી પાડયા હતા. છ આરોપીઓમાં એક સગીર હોવાથી તેને બાળક સંરક્ષણ ગૃહમાં મોકલી અપાયો છે. બીજી તરફ પોક્સોના એક સહિત પાંચ આરોપીને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જેઓના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, પોલીસ દ્વારા હવે જૂથ અથડામણ બાબતે વધુ પૂછપરછ કરાશે.

અન્ય સમાચારો પણ છે...