માણસા તાલુકા પંચાયતમાં ખાસ સાધારણ સભા મળી હતી. જેમા વર્ષ 2023-24નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જે મુજબ સ્વભંડોળ અને સરકારી પ્રવૃત્તિની આવક સામે ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જે 20.84 કરોડ રૂપિયા ના પુરાંતલક્ષી બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ આજની સભામાં સદસ્યોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી.
માણસા તાલુકા પંચાયતની સામાન્ય સભા પંચાયત કચેરીના સભાખંડમાં પ્રમુખ ભીખાભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભામાં માણસા તાલુકા પંચાયતનું સુધારેલ અંદાજપત્ર અને 2023-24નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કરેલી જોગવાઈઓ મુજબ સ્વભંડોળની અંદાજિત આવક 64.20 લાખ સામે 56 લાખ અંદાજીત ખર્ચ, સરકારી પ્રવૃત્તિઓની અંદાજિત આવક 82 કરોડ સામે અંદાજીત ખર્ચ 73.82 કરોડ તેમજ દેવા વિભાગની અંદાજિત આવક 7.15 લાખ સામે અંદાજીત ખર્ચ 7.15 લાખ દર્શાવવામાં આવ્યો છે અને પૂરા થતા વર્ષ અંતે 20.84 કરોડ પુરાંત અંદાજવામાં આવી છે.
તાલુકા પંચાયતના મર્યાદિત સ્વભંડોળમાંથી સામાન્ય વહીવટ માટે 1.85 લાખ, પંચાયત વિકાસ માટે 17.80 લાખ, મહેકમ 6 લાખ,શિક્ષણ માટે સ્વભંડોળ ના 5% ખેતીવાડી માટે સ્વ ભંડોળ ના 15 ટકા, પશુપાલન માટે 1 લાખ, સમાજ કલ્યાણ માટે ભંડોળ ના 7.5 %, બાંધકામ ક્ષેત્રે 1 લાખ,આરોગ્ય માટે 1.5 લાખ, તેમજ કુદરતી આફતો માટે 2 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ રીતે રજૂ કરવામાં આવેલા બજેટ ને સભામાં હાજર તમામ સદસ્યોએ સર્વાનુમતે મંજુર કર્યું હતું.
સામાન્ય સભામાં બજેટ ચર્ચા સમયે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન બાબતે સર્વે કરાવી સહાય ચૂકવવા માટે તેમજ ગ્રામ પંચાયતના લેટરપેડનો દુરુપયોગ થતો હોવા બાબતે કોંગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય તાલુકા સદસ્યોએ પણ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.