કાર્યવાહી:માણસામાં મધરાતે વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 ખેપિયા ઝડપાયા

માણસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 હજારમાં શામળાજીથી દારૂ ભરેલી કાર લઇ આવનારો ચાલક જેલમાં જશે

માણસા વિજાપુર તરફથી આવી રહેલી એક કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો. કારમાંથી 570 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર સહિત મુદ્દામાલ કબજે કરી તેમાં સવાર ડ્રાઇવર સહિત બે ઈસમોને ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મંગળવારે રાત્રે માણસા પીઆઈ પરમાર તેમજ એ.એસ.આઇ દિનેશભાઈ ચૌધરી તથા કોન્સ્ટેબલ કેતનભાઇ ચૌધરી નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે વખતે રાત્રિના બાર વાગે કેતનભાઇ ચૌધરીને બાતમી મળી હતી કે, વિજાપુર તરફથી એક મહિન્દ્રાની કાર માણસા તરફ આવી રહી છે અને તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે.

માણસા પોલીસે આજોલ ગામ પાસે અને રીદ્રોલ રોડ પર આવેલી ઉમિયા વાડી પાસે વોચ ગોઠવી હતી. કાર આજોલ થઈ માણસા શહેરમાં પ્રવેશે તે પહેલા ઉમિયા વાડી પાસે કારને રોકી તેના ચાલક અને તેની સાથે બેઠેલા બંને વ્યક્તિની પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ સંજયસિંહ શૈલેષસિંહ જાડેજા (રહે.વેણપુર ગામ તાલુકો ભિલોડા) તથા વાસુદેવ ભુરજીભાઈ પાંડોર (રહે.જાંબુડી ગામ તાલુકો ભિલોડા) હોવાનું જણાવ્યું હતું.

પોલીસને કારમાંથી પ્લાસ્ટિકની થેલીમાં ઢાંકેલી નાની મોટી વિદેશી દારૂની બોટલો તેમજ દારૂના પાઉચ મળી આવ્યા હતા. કુલ 71280 રૂપિયાની કિંમતની 570 નંગ બોટલો મળી આવતા વધુ પૂછપરછ કરતાં કારનાચાલકે જણાવ્યું હતું કે, તે શામળાજી પાસે ઊભો હતો, તે વખતે શંકરભાઈ નામનો વ્યક્તિ કાર આપીને ગયો હતો અને આ કાર માણસા પહોંચાડી ફોન કરવાનું જણાવ્યું હતું અને તેના બદલામાં 5000 રૂપિયા મળશે એવું નક્કી થયું હતું.

જેથી કારનો ચાલક સંજયસિંહ શામળાજીથી કાર લઇ માણસા આવવા નીકળ્યો હતો.પોલીસે તમામ મુદ્દા માલ તેમજ બંને ઈસમો પાસેથી કુલ 4,73,280 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બંને તેમજ વિદેશી દારૂ ભરીને ગાડી આપનાર શંકરભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ધમેડામાં ભેંસો બાંધવાના ઢાળિયામાંથી દારૂનો જથ્થો ઝડપાયો
માણસા તાલુકાના ધમેડા ગામની સીમમાં એક ઇસમે ઉઘેર રાખેલા ખેતરમાં ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલો ભેંસો બાંધવાના ઢાળીયામાં સંતાડી તેનો સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની બાતમી આધારે માણસા પોલીસે બુધવારે મોડી સાંજે જઈ ખેતરના ઢાળીયામાં સંતાડેલી વિદેશી દારૂની 269 બોટલો ઝડપી તેનો સંગ્રહ કરનાર વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા એએસઆઇ મુકેશસિંહ અને કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, માણસા પાસે આવેલા ધમેડા ગામની સીમમાં ભેડવઇ વાળા પા માં ચંદુજી કુબેરજી ઠાકોરનું ખેતર આવેલું છે. જે ખેતરને ધમેડા ગામમાં રહેતો પ્રધાનજી ઉર્ફે પધાજી ધુળાજી ઉઘેર રાખી તેમાં ખેતી કરે છે અને આ સાથે તે અહીં ખેતરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમી આધારે પોલીસે ધમેડા ગામની સીમમાં જઈ આ ખેતરમાં પહોંચ્યા હતા.

જ્યાં ખેતરમાં ભેંસોને બાંધવા માટેનું ઢાળિયું બનાવવામાં આવેલું હતુ. જ્યાં વિદેશી દારુની બોટલો સંતાડી હોવાની શક્યતા ને આધારે પોલીસે ઢાળિયામાં તપાસ કરતા એક બાજુ પ્લાસ્ટિકની કોથળીઓમાં વિદેશી દારૂની નાની બોટલો, બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે બોટલોની ગણતરી કરતા 269 બોટલો શોધી કાઢી હતી. જે તમામ જપ્ત કરી પોલીસે આ બોટલનો સંગ્રહ કરનાર પ્રધાનજીની શોધખોળ કરી હતી, પરંતુ તે સીમમાં મળી આવ્યો ન હતો. જેથી પોલીસે 81945 રૂપિયાની કિંમતની 269 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...