ફરિયાદ:સાધુવેશમાં આવેલા 2 ગઠિયાએ દેલવાડાની વૃદ્ધાનો દોરો તફડાવ્યો

માણસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આશીર્વાદ આપવાના બહાને માથા પર હાથ મૂકી નજર ચૂકવી હતી

માણસા તાલુકાના દેલવાડા ગામનું વૃદ્ધ દંપતિ ગઈકાલે બપોરે પોતાના ઘરેથી રીદ્રોલ ગામ તરફ જતા હતા. ત્યારે આજોલ ગામ પાસે આવેલી હાઈસ્કૂલ નજીક પહોંચ્યા તે વખતે કારમાં આવેલા અને ભગવા કપડા પહેરેલ બે ગઠીયાએ તેમને રોકી સરનામું પૂછવાના બહાને આશીર્વાદ આપવાનો ઢોંગ કરી વૃદ્ધ મહિલાના ગળામાંથી 85 હજાર રૂપિયાની કિંમતનો સોનાનો દોરો તફડાવી ભાગી છૂટ્યા હતા. જે બાબતે ભોગ બનેલ વૃદ્ધાએ માણસા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના દેલવાડા ગામે પટેલ વાસમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા દશરથભાઈ સંતારામ પટેલ તથા તેમના 63 વર્ષીય પત્ની કલાવતીબેન બંને જણા ગઈકાલે બપોરે તેમનું એક્ટિવા લઈ ઘરેથી રીદ્રોલ ગામ તરફ જવા માટે નીકળ્યા હતા અને બપોરે 3:30 વાગ્યાની આસપાસ આજોલ ગામ નજીક આવેલ સીએમડી શાહ હાઇસ્કુલ પાસે પહોંચ્યા તે વખતે તેમની આગળ એક સફેદ કલરની બ્રેઝા કાર આવીને ઊભી રહી હતી. જેમાં આશરે 35 વર્ષીય બે ઈસમો બેઠેલા હતા. જેમાં ડ્રાઇવર સાદા કપડામાં હતો અને તેની બાજુમાં બેઠેલ ભગવા કપડાં પહેર્યા હતા.

આ બંને જણાએ દંપતિને ઊભા રાખી વાસણીયા મહાદેવ જવાનું હોવાથી રસ્તો પૂછવાના બહાને કલાવતીબેન અને તેમના પતિને પાસે બોલાવી આ ભગવા ધારી ઇસમે પૂનમ કરી ઉપવાસ કરવાનું કહી કલાવતીબેનના પતિને રુદ્રાક્ષનો મણકો આપી મહિલાને આશીર્વાદ આપવાના બહાને માથા પર હાથ મૂકી નજર ચૂકવી તેમના ગળામાં પહેરેલો પોણા બે તોલાનો 85 હજાર રૂપિયાની કિંમતનો સોનાનો દોરો તફડાવી બંને ઈસમો નંબર પ્લેટ વિનાની બ્રેઝા કાર લઈ માણસા તરફ જવાના રોડ પર ભાગી છૂટ્યા હતા.

થોડીવાર પછી વૃદ્ધાના ગળામાં સોનાનો દોરો ગાયબ થયો હોવાનું માલુમ પડતાં તેમણે બંને ગઠીયાઓની ભારે શોધખોળ બાદ માણસા પોલીસ આવી ભગવા કપડા ધારી તેમજ તેનો કારચાલક સહિત બે ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...