ચરાડા ગામમા સાધુ વેશમાં આવેલા ગઠિયાએ વૃદ્ધ ખેડૂત તેમજ તેમના પિતરાઈ ભાઈ પાસેથી ગિરનાર ખાતે ભંડારો કરવાનો હોવાનું કહી ઘી ના ડબા પેટે 1.11 લાખની રોકડ લઈ પોતાનો મોબાઈલ નંબર આપી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સાધુ તેમજ તેના ડ્રાઇવર પર શંકા જતા આ બંને પરિવારોએ કારના નંબરના આધારે બંનેની શોધખોળ કરી ફોન કર્યો હતો. પરંતુ પૈસા પાછા આપી દઈએ છે તેવું કહી પાછા આવ્યા ન હતા. જેથી પોતે છેતરાયા હોવાનું જણાતા છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધે માણસા પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ચરાડામા રહેતા 61 વર્ષીય પથુભાઈ લવજીભાઈ ચૌધરી બપોરના સમયે તેમના ઘરે હાજર હતા, તે સમયે એક સ્વીફ્ટ કારમાં આશરે 30થી 35 વર્ષીય નગ્ન અવસ્થામાં એક સાધુ તથા તેમનો 25 વર્ષીય ડ્રાઇવર તેમના ઘરે આવ્યા હતા અને ચા પાણી કરવાનું કહી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આ વૃદ્ધ ખેડૂત સાથે વાતચીત કરી પોતે ગિરનાર ખાતે ભંડારો કરવાના હોવાથી બે ડબ્બા ઘી દાનમાં આપવા માટે વાત કરી હતી. જેથી પીથુભાઈએ ઘરમાંથી રોકડા 15000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ વાતોમાં ભોળવી ઘરમાં બીજા મુકેલા 85 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા.
ચા-પાણી કરી બંને જણા કાર લઈને પોતાનો મોબાઈલ નંબર આપી નીકળી ગયા હતા. તેમના ગયા પછી આ ખેડૂતને આ બન્ને શખ્સો વિશે શંકા જતા તેમણે પિતરાઈ ભાઈ દશરથભાઈને બોલાવી વાત કરતા તેમણે પણ આ બંને સાધુ તેમની પાસેથી પણ ગિરનારમાં ભંડારો કરવાનું 11,000 લઇ ગયા હોવાનું જણાવતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનુ જણાતા ગઠિયાએ આપેલા નંબર પર ફોન કરતા અમે પૈસા પાછા આપી જઈએ છીએ, એવું કહી સાંજ સુધી પૈસા પરત આપવા આવ્યા ન હતા. જેથી આ બંને પરિવારોએ કારના નંબરના આધારે બંને ગઠિયાઓને શોધવા કોશિશ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.