ફરિયાદ:વ્યાજના વિષચક્રમાં ફસાયેલો ધમાસણાનો યુવક ગુમ, 5 સામે રાવ

કલોલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને પત્ર લખી 5 વ્યાજખોર પૈસા માટે ત્રાસ આપતા હોવાનો દાવો કરતાં ફરિયાદ

કલોલના ધમાસણાના યુવાન લાપતા બનતા પાંચ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લાપત્તા યુવકે વ્યાજખોરોનો ત્રાસ હોવાનું અને પાંચ વ્યાજખોરો તેને ધમકી આપતા હોવાથી ઘર છોડીને જતો રહ્યો હોવાનું પત્રમાં લખ્યું હતું. જેને પગલે યુવકની પત્નીએ પોતાના પતિને વ્યાજ માટે ત્રાસ આપનાર પાંચ વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ ચલાવી છે. ધમાસણા ગામે રહેતો સમીર જયંતીભાઈ પટેલ પોતાના ઘરેથી 30 એપ્રિલ 2022 ના રોજ લાપતા બન્યો હતો. આ અંગે પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરાવવામાં આવી હતી.

ત્યારે ગુમ થનાર યુવકે પત્ની નીલમને પત્ર લખી પાંચ વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી આ બાબતે નીલમબેને કલોલ તાલુકા પોલીસ મથકમાં જીવાભાઇ ભીખાભાઈ રબારી, રાજુભાઇ ભીખાભાઈ રબારી, જેસંગભાઈ ભીખાભાઈ રબારી, દશરથભાઈ પટેલ તથા ભુરાભાઈ જલાભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવી છે. ચીઠ્ઠીમાં થયેલા દાવા મુજબ રાજુભાઈ રબારી પાસેથી યુવકે 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને સામે બે વીઘા જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. આમ છતાં રાજુભાઈ તેની પાસે આઠ લાખ રૂપિયા બાકી કાઢીને તેની માંગણી કરી રહ્યા છે.

બીજી તરફ જીવાભાઈ રબારીનો હિસાબ ચૂકતે કરી દીધો હોવા છતાં તેણે પાંચ લાખનું ત્રણ મહિનાનું 1,80,000 વ્યાજ બાકી કાઢ્યું છે. જેસંગભાઈ રબારી પાસેથી યુવકે નવ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે પૈસા મકાન વેચીને હિસાબ ચૂકતે કરી દીધો હતો તેમ છતાં તેની માંગણી કરી રહ્યા છે. તેમજ દશરથભાઇ પટેલ પાસેથી 1.25 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે ચાર લાખ આપ્યા હોવા છતાં વારંવાર ઉઘરાણી કરતાં હતા.

અન્ય સમાચારો પણ છે...