તંત્રના આંખ આડા કાન:કલોલમાં અંબાજી મંદિર પાસે આવેલી ત્રણ આંગણવાડીઓ અસહ્ય ગંદકીમાં, સાર સંભાળ લેવા વાળું કોઈ નહિ, લોકોમાં રોગચાળાની ભીતિ

કલોલ17 દિવસ પહેલા
  • આસપાસ અસહ્ય ગંદકી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય એવું જણાઈ રહ્યું
  • કલોલમાં છેલ્લા સાત દિવસથી રોજ ચારથી પાંચ કેસો પાણીજન્ય રોગોના હોય છે

કલોલ અંબાજી માતાના મંદિર પાસે આવેલી ત્રણ આંગણવાડીઓની આસપાસ ખૂબ જ ગંદકી છે. નાના નાના ભૂલકાઓ જે આંગણવાડીમાં ભણવા આવે છે. એમના સ્વાસ્થ જોડે ચેડા થઈ રહ્યા હોવાના દ્રશ્યો નજરે પડ્યા છે. વરસાદની સિઝનમાં ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી રહી છે. જેના કારણે પાણીજન્ય રોગનો રાફડો ફાટ્યો હોય એવું પણ જણાઈ રહ્યું છે. કલોલમાં છેલ્લા સાત દિવસથી કલોલ સરકારી હોસ્પિટલમાં રોજ 4થી 5 પાણીજન્ય રોગોના કેસો આવી રહ્યા છે. જેના અનુરૂપ કલોલમાં સફાઈ અભિયાન માત્ર ચોપડા ઉપર થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કલોલની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એમ જણાઈ રહ્યું છે.

છેલ્લા સાત દિવસથી શહેરમાં પાણીજન્ય રોગોના દર્દીઓ વધ્યા
કલોલ સિવિલના મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર, કલોલમાં છેલ્લા સાત દિવસથી પાણીજન્ય રોગોના દર્દીઓ આવી રહ્યા છે. રોજ ચારથી પાંચ કેસો પાણીજન્ય રોગોના હોય છે. એમાં ઘણા સક્ષમ દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ટ્રીટમેન્ટ લેતા હોય છે. માટે હું આપને દર્દીઓનો પરફેક્ટ આંકડો આપી શકું તેમ નથી. પણ હા!! પાણીજન્ય રોગોના દર્દીઓ કલોલ સરકારી સિવિલમાં આવે છે. પણ હજુ સુધી પાણીજન્ય રોગોના દર્દીઓનો આંકડો નોંધેલો નથી.

અસહ્ય ગંદકી હોવા છતાં તંત્રે આંખ આડા કાન કર્યા
એવામાં પાણીજન્ય રોગની સિઝન હોવા છતાં, મેલેરિયા, કોવિડ જેવા રોગોએ અત્યારે ભરડો લીધો છે. તેમ છતાં કલોલ વોર્ડ નંબર 7માં અંબાજી મંદિર પાસે આવેલી આ ત્રણ આંગણવાડી (નંદઘર) જેની સાર સંભાળ લેવા વાળું કોઈ નથી. આસપાસ અસહ્ય ગંદકી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય એવું જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...