દુલ્હન પણ ગઈ અને દોઢ લાખ પણ ગયા:કલોલના યુવાનને પૈસા આપી લગ્ન કરવા ભારે પડ્યા, દલાલે કહ્યું- દુલ્હન પણ નહીં આવે અને રૂપિયા પણ નહીં મળે

કલોલ24 દિવસ પહેલા

લૂંટેરી દુલ્હનના કિસ્સા અવારનવાર બનતા હોય છે. તેઓ પૈસાની માગણી કરીને છોકરીઓને દુલ્હન તરીકે મોકલતા હોય છે. એમાં મોટો ભાગ દલાલો ભજવતા હોય છે. આવા કિસ્સાના અનેક પરિવારો ભોગ પણ બની ચૂકેલા છે. ત્યારે એવો જ એક કિસ્સો કલોલમાં બન્યો. એક બ્રાહ્મણ પરિવાર લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. દુલ્હને પહેલાં લગ્ન કર્યાં અને પતિ સાથે તેના સાસરિયાં આવી. મહિના બાદ પિયર જઈને 4 દિવસમાં પરત ફરીશ કહીને આવી જ નહીં! ત્યારે આ ઘટના ક્યારે બની? કેવી રીતે બની..? કોણ કોણ આ કાંડમાં સંડોવાયેલા હતા..? ત્યાં સુધીની દરેક વાતનો જવાબ મેળવીએ આ અહેવાલમાં...

દુલ્હાને લૂંટનાર દલાલ સહિત દુલ્હન.
દુલ્હાને લૂંટનાર દલાલ સહિત દુલ્હન.

બ્રાહ્મણ પરિવાર દીકરા માટે દુલ્હનની શોધમાં હતો
કલોલ ઈસંડ ગામમાં રહેતા બ્રાહ્મણ પરિવારનો દીકરો લગ્ન ઈચ્છુક હોવાથી પરિવાર દીકરીની શોધમાં હતો. જેથી છત્રાલ ગામમાં રહેતા ગોરધન પ્રજાપતિ, જેમને પરિવાર દોઢેક વર્ષથી જાણતો હતો. જેથી દીકરા માટે વહુ શોધવા માટે ગોરધન પ્રજાપતિને જણાવ્યું હતું. ગોરધન પ્રજાપતિએ પણ આવી રીતે બે-ત્રણ જણને લગ્ન માટે દીકરીઓ લાવી આપી હતી એવી જાણ બ્રાહ્મણ પરિવારને હતી.

પતિને એક મહિનામાં જ દગો આપીને દુલ્હન ગાયબ.
પતિને એક મહિનામાં જ દગો આપીને દુલ્હન ગાયબ.

દલાલને દીકરી ગોતી આપવા આગ્રહ કર્યો
જેથી ગોરધન પ્રજાપતિએ બ્રાહ્મણ પરિવારનું ઘર જોવાનો આગ્રહ કર્યો, ગોરધન પ્રજાપતિના કહેવા મુજબ કે દીકરી આપવાની હોવાથી ઘર કેવું છે, પરિવાર કેવો છે એ મારે જોવું પડે. ત્યાર બાદ હું દીકરી લાવી આપું. જેથી એક દિવસ ગોરધન પ્રજાપતિ બ્રાહ્મણ પરિવારના ઘરે ઈસંડ ગામે ઘર જોવા માટે ગયા. જમવાના સમયે આવેલા હોવાથી બ્રાહ્મણ પરિવારે ગોરધન પ્રજાપતિને જમાડીને મોકલ્યા.

દુલ્હાએ રૂપિયા અને દુલ્હન બંનેથી હાથ ધોયા.
દુલ્હાએ રૂપિયા અને દુલ્હન બંનેથી હાથ ધોયા.

દલાલે દીકરી સાથે લગ્ન કરવા 1.5 લાખની માગણી કરી
બ્રાહ્મણ પરિવારનું ઘર જોયા બાદ ગોરધનભાઈ પ્રજાપતિ દીકરી લાવી આપવા માટે રાજી થઈ ગયા. એ બાબતને લઈને ગોરધનભાઈએ દીકરી શોધી પણ આપી. દીકરી જોવા માટે જવાનું છે એમ કહી ગોરધનભાઈ પ્રજાપતિ અમદાવાદમાં નરોડા બ્રાહ્મણ પરિવારના સભ્યોને લઈને વિમુબેન રાજેશભાઈ રાજાના ત્યાં પહોંચ્યા હતા. દીકરી જોયા બાદ બ્રાહ્મણ પરિવારને દીકરી ગમી જતાં તેમણે હા પાડી દીધી. જેથી દલાલ ગોરધન પ્રજાપતિએ દીકરી સાથે લગ્ન કરવા પેટેના 1.5 લાખ રૂપિયાની અવેજ રકમની માગણી કરી. એ બાબતે બ્રાહ્મણ પરિવાર પણ તૈયાર થઈ ગયો.

ભોગ બનનાર દુલ્હાનું ઘર
ભોગ બનનાર દુલ્હાનું ઘર

300ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવામાં આવ્યું
બતાવેલી છોકરીનું નામ સાધના જણાવવામાં આવ્યું હતું. બ્રાહ્મણ પરિવારને છોકરી ગમી જતાં નક્કી થયેલા 1,50,000માંથી ટોકન રૂપે 30,000 રૂપિયા પણ વિમુબેન રાજેશભાઈ રાજાના હાથમાં આપવામાં આવ્યા હતા. પૈસા આપ્યા બાદ લગ્નની તારીખ 20/11/2022 પણ નક્કી કરવામાં આવી. લગ્નની તારીખ નક્કી કર્યા બાદ લગ્ન માટે કલોલ કોર્ટમાં તમામ દલાલો તેમજ છોકરી સાધના હાજર હતાં. એ સમય દરમિયાન વકીલે લૂંટેરી દુલ્હનના ડોક્યુમેન્ટ પેટે આધારકાર્ડ માગ્યું. આધારકાર્ડ લૂંટેરી દુલ્હન પાસે હતું નહીં, જેથી વકીલે કોર્ટ મેરેજ કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ વકીલની સમજૂતી પછી રૂ. 300ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવામાં આવ્યું. એ સોગંદનામું કરવા માટે બાકીના પૈસા આપી દો, એમ કહી 1,20,000 રૂપિયા આપ્યા બાદ તમામ દલાલોએ પોતાની સહી સાથે સોગંદનામું કરી આપ્યું હતું.

લૂંટેરી દુલ્હન.
લૂંટેરી દુલ્હન.

'અઠવાડિયું નહીં, ચાર જ દિવસમાં પાછી આવીશ'- દુલ્હન
ત્યાર બાદ બ્રાહ્મણ પરિવારે રીત-રિવાજથી કલોલ ગામે મહાકાળી મંદિરમાં લગ્ન કર્યાં. લગ્ન કર્યાં બાદ આશરે એકાદ માસ લૂંટેરી દુલ્હન સાધના ઘરમાં તમામ સભ્યો સાથે સારી રીતે રહેતી હતી. એ દરમિયાન વિમુબેન રાજેશભાઈ રાજા બ્રાહ્મણ પરિવારના ઘરે ગયા હતા‌. ત્યાં જઈને તેમની સાધનાને પોતાના ઘરે લઈ જવા માટે કહેવા લાગ્યા, જેથી બ્રાહ્મણ પરિવારે તારીખ 18/12ના રોજ સાધનાને વિમુબેન સાથે મોકલી આપી હતી. સાધના જતાં જતાં સાસુને ભેટી પડીને ​રડી હતી. તે જતાં જતાં એટલું કહી ગઈ હતી કે હું અઠવાડિયું નહીં, પણ ચાર જ દિવસમાં પાછી આવી જઈશ. મમ્મી મને તમારા વગર નથી ફાવતું.

ચાર દિવસનું કહીને ગયેલી દુલ્હન પરત ન ફરી
ચાર દિવસનું કહીને ગયેલી લૂંટેરી દુલ્હન સાધના પરત ફરી ન હતી, જેથી બ્રાહ્મણ પરિવારે અવારનવાર ફોન કર્યા તો વિમુબહેને ફોન ઊંચકવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યાર બાદ અચાનક જ તારીખ 2/1/2023ના રોજ સાધનાનો ફોન ભોગ બનેલા પતિ પર આવ્યો અને તેણે જણાવ્યું કે તમે મને લેવા માટે નરોડા ખાતે વિમુબેનના ઘરે આવી જાઓ. જેથી બ્રાહ્મણ પરિવારનો દીકરો તેમજ દીકરી તેમજ મમ્મી એમ બધા સભ્યો ભેગા મળીને નરોડા ખાતે રહેતા વિમુબેનના ઘરે ગયાં હતાં. તો ત્યાં સાધના હાજર ન હતી. ત્યાં રમીલાબેન કરીને કોઈ હાજર હતાં. તેમને બ્રાહ્મણ પરિવારે પૂછ્યું કે સાધના ક્યાં ગઈ છે?. તો તેમણે જણાવ્યું કે સાધના ક્યાં છે, તેની મને કોઈ જાણ નથી. વિમુબેન પણ ક્યાં છે એ મને ખ્યાલ નથી, એમ કહેતા બ્રાહ્મણ પરિવાર પોતાના ગામ પરત ફરી ગયો હતો.

દુલ્હનનો સાથ આપનાર વિમુબેન રાજા.
દુલ્હનનો સાથ આપનાર વિમુબેન રાજા.

લૂંટેરી દુલ્હન સહિત દલાલો વિરુદ્ધ ગુનો દાખલ
ત્યાર બાદ તારીખ 4/1/23ના રોજ છત્રાલ ખાતે રહેતા દલાલ ગોરધન પ્રજાપતિનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે તમામ દલાલ વિમુબેન, રમીલાબેન ઉર્ફે સરોજબેન તેમજ લૂંટેરી દુલ્હન સાધના પણ કલોલ ગાયત્રી મંદિર ખાતે આવ્યાં હતાં અને બ્રાહ્મણ પરિવારને પણ બોલાવ્યા હતા. ત્યાં તેમણે સાધના તમારા ઘરે હવે નહીં આવે એવી વાત કરી હતી, જેથી બ્રાહ્મણ પરિવારે સાધનાના અવેજ પેટે જે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. તેની માગણી કરતાં ગોરધનભાઈ પ્રજાપતિએ પૈસા હવે નહીં મળે એમ કહી દલાલો તેમજ લૂંટેરી દુલ્હન ત્યાંથી નીકળી ગયાં હતાં. ત્યાર બાદ બ્રાહ્મણ પરિવારે આ તમામ દલાલો તેમજ લૂંટેરી દુલ્હન સાધના વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવાનું સામે આવ્યું છે. ત્યારે કલોલ તાલુકા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...