કલોલ શહેરમાં નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના કારણે અનેક રસ્તા ખુલ્લા થતાં રાહદારીઓ અને વાહનચાલકો રાહત અનુભવી રહ્યાં છે. ત્યારે કેટલાક વિજ્ઞસંતોષી તત્વો દ્વારા દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેઓ નડતરરૂપ થતાં પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. નગરપાલિકાના જુનિયર ટાઉન પ્લાનરે ૭ શખ્સો સામે કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે સરકારી કામમાં અડચણરૂપ બનતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે કલોલ પાલિકાના જુનિયર ટાઉન પ્લાનર સંજય પટેલે કલોલ શહેર પીઆઇને લેખિતમાં જણાવ્યુ છે કે પાલિકા દ્વારા રસ્તા ઉપરના દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. તેના ભાગરૂપે દબાણ ખાતાનો સ્ટાફ જે.પી ગેટ નજીક પ્રકાશ પ્લાઝા આગળ રસ્તા પર તેમજ પાર્કિંગની જગ્યામાં કેબીન દૂર કરવા ગયો હતો. ત્યારે ગેરકાયદે કેબીન ધારકો અને તેના મળતિયાઓ દ્વારા સરકારી કામમાં અડચણ ઉભુ કરી દબાણની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સરકારી કામમાં અડચણરૂપ બનતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. તેના આધારે પોલીસે દબાણ હટાવવાનો વિરોધ કરનારા ૭ શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
નગરપાલિકાના જુનિયર ટાઉન પ્લાનરે દેવાંગ ચંપકભાઇ શાહ, કલ્પિત નંદકિશોર તૈલી, ચંપકકુમાર બાબુલાલ તૈલી, સન્ની રમેશજી ઠાકોર, નિતીન રામકુમાર પ્રજાપતિ, સંજય શેરબહાદુરસિંહ હુડકે અને આમીરહુસેન શાબીરહુસેન શેખ (તમામ રહે કલોલ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કાર્યાહી હાથ ધરી છે. સરકારી કામમાં અડચણ બનતા તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.