પરીણિતાના અપમૃત્યુ કેસમાં વળાંક:પરીણિતાનું પડી જવાથી નહીં, ફાંસો ખાવાથી મોત થયાનું PM રીપોર્ટમાં ખૂલ્યું

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાળાની બનેવી તથા બહેનનાં સાસુ-સસરા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ

તાલુકાના બાલવામાં પરીણિતાના અપમૃત્યુ કેસમાં વળાંક આવ્યો છે. પરિવારે પરીણિતાનું પડી જવાથી મૃત્યુ થયાનું કહ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રીપોર્ટમાં તેનું મૃત્યુ ફાંસો ખાવાથી થયું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. આ અંગે પરીણિતાના ભાઈએ બનેવી તથા બહેનનાં સાસુ-સસરા સામે આત્મહત્યાના દુષ્પપ્રેરણ અંગે ફરિયાદ નોંખાવી છે.

પાટણ જિલ્લાના ચાણસ્માના લણવા ગામના વિજય દલપુજી રાજપૂતે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે મુજબ તેમની બહેન કાજલનાં લગ્ન 5 વર્ષ પહેલાં કલોલ તાલુકાના બાલવા ગામે રહેતા જિતેન્દ્રસિંહ મનુસિંહ ભાટી સાથે થયાં હતાં. ફરિયાદમાં થયેલા દાવા મુજબ લગ્નની શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યા બાદ 3 વર્ષ પૂર્વે દીકરીનો જન્મ થતાં સાસુ-સસરાએ દીકરાને બદલે દીકરીને જન્મ આપવા બાબતે મ્હેણાં મારવાનું શરૂ કર્યું હતું.

સતત વધતા ત્રાસ વચ્ચે સાસુ-સસરાની સાથે પતિ દ્વારા પણ હેરાનગતિ થતી હતી. ‘દીકરીને જન્મ આપ્યો છે તો તેમનાં માટે પૈસા અને દાગીના પણ તારા બાપને ત્યાંથી લઇ આવ’ કહીને પરીણિતાને ત્રાસ અપાતો હોવાનો ફરિયાદીનો દાવો છે. પતિ મારઝૂડ પણ કરતો હતો. વિજયભાઈના પરિવારે બહેનના સંસારને બચાવવા સંબંધીઓ માફરતે પણ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્રાસ સતત ચાલુ રહેતો હતો. દરમિયાન 31 ઑક્ટોબરે કાજલબહેનના સસરાનો વિજયભાઈ પર ફોન આવ્યો હતો, જેમાં તેમણે કાજલબહેનનું ધાબા પરથી પડી જતાં મોત થયું હોવાનું જણાવી માણસા હૉસ્પિટલ આવવા કહ્યું હતું.

વિજયભાઈને કાજલબહેનનું મોત થયાનું માન્યામાં આવતું ન હોવા સાથે હત્યાની શંકા જતી હતી. મૃતદેહના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રીપોર્ટ પ્રમાણે ફાંસાને કારણે મોત થયાનું સામે આવ્યું હતું, જેના પગલે કાજલબહેનના પતિ જિતેન્દ્રસિંહ, સસરા મનુજી પોપટજી ભાટી તથા સાસુ વિનુબા સામે ત્રાસ આપીને દહેજની માગણી કરીને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...