કલોલમાં રહેતા મિત્રએ રાજસ્થાનમાં વતન જતા મિત્રને કહ્યું કે, રાજસ્થાનથી મારા માટે વિદેશી દારૂ નો જથ્થો લેતો આવજે. મિત્ર દારૂ લાવવા માટે તૈયાર થઈ ગયો અને પોતાના પીકઅપ ડાલા સાથે રાજસ્થાનથી દારૂ ભરીને કલોલ મિત્રને આપવા માટે પહોંચે તે પહેલા રસ્તા વચ્ચેથી પોલીસ ડાલા સાથે ઉઠાવી પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દીધો.
બાતમીના આધારે પોલીસે દારૂ ઝડપી પાડ્યો
કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં કામ કરતા અધિકારીઓને ખાનગી રાહે બાદમી મળી હતી કે, વિદેશી દારૂ ભરીને એક ડાલામાં કંતાનથી સંતાડીને દારૂ આવી રહ્યો છે. જેથી આ ડાલાને પકડવા માટે પોલીસ કલોલ સિંધ બાદ હાઇવેના કટ પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. બાતમીમાં જણાવ્યા મુજબનું ડાલુ આવતાની સાથે જ પોલીસે કોર્ડન કરી દીધું.
વિદેશી દારૂની 36 કાચની બોટલો જપ્ત કરી
સફેદ કલરનું ડાલુ જેનો નંબર GJ 02 XX 6890 ના ચાલકને તેનું નામ ઠામ પૂછતા પોતાનું નામ અભિમન્યુ મનોજસિંહ રાજપુત જણાવ્યું હતું. પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું કે, રહેવાનું ક્યાં તો અભિમન્યુ રાજપૂતે જણાવ્યું કે, પટેલ વાસ સૈજ ખાતે વિષ્ણુભાઈ પટેલના મકાનમાં રહું છું. પણ મૂળ ગામ થોરીયા, તાલુકો પીપળી, જિલ્લો રાજસમદ ( રાજસ્થાન ) નો હોવાનું જણાવ્યું હતું. તેના લાવેલા પિકઅપ ડાલામાં ચેક કરતા પાછળના ભાગમાં કંતાનની આડમાં છુપાવેલ વિદેશી દારૂની 36 કાચની બોટલો મળી આવી હતી.
'મિત્રએ રાજસ્થાનથી દારૂ લાવવા કહ્યું હતુ'
વધુ પૂછપરછ કરતા અભિમન્યુ રાજપૂતે જણાવ્યું હતું કે, તે પોતાના કામ અર્થે પોતાના વતન રાજસ્થાન ગયો હતો અને મિત્ર કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ ભગવાનદાસ પટેલ.(રહે, ભગવતીનગર, અંબિકા બસ સ્ટેન્ડ સામે કલોલ) રાજસ્થાન ખાતેથી દારૂની બોટલો લાવવા માટે મને રૂપિયા આપ્યા હતા. આ કનુભાઈના કહેવાથી હું રાજસ્થાન ખાતેથી દારૂની બોટલો લાવેલો હતો. જેથી કલોલ શહેર પોલીસે 35,000 વધુથી દારૂ તેમજ 6000 રૂપિયાના મોબાઈલ અને પીકઅપ ડાલાની કિંમત ₹1,00,000 ગણી કુલ ₹1,41,460 ના મુદ્દામાલ સાથે અભિમન્યુ મનોજસિંહ રાજપુત અને કનૈયાલાલ ભગવાનદાસ પટેલ એમ બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.