30 દિવસ, 30 શિવ મંદિર:કલોલનું અતિ પ્રાચીન કપિલેશ્વર મહાદેવ મંદિર, ગાયના પગની ખરી આકારનું શિવલિંગ, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શને આવે

કલોલ16 દિવસ પહેલા
  • વગડામાં એક જગ્યાએ ગાયના આંચળમાંથી દૂધની ધારા આપોઆપ જમીન પર પડતી
  • હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીને સંસ્થાન તરફથી નિઃશુલ્ક ભોજન સેવા અપાય છે

ઉત્તર ગુજરાતના પ્રવેશ દ્વાર સમા કલોલ શહેરમાં 1800 વર્ષ પૂર્વનો જાજરમાન ઇતિહાસ ધરાવતા કપિલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ શરૂ થતાં ભક્તોની ભારે ભીડ જામી છે. દેવાધિદેવ મહાદેવને રિઝવવા વડીલો, ભાઇઓ-બહેનો, ભૂલકાઓ સહિતના ધર્મ પ્રેમી લોકો કપિલેશ્વર મહાદેવને જળ અને દુધાભિષેક સાથે બીલીપત્ર તેમજ પુષ્પ અર્પણ કરી પૂજન અર્ચન કરતા જોવા મળ્યા છે.

ગાય વગડામાં એક જગ્યાએ ઊભી રહેતી, તેના આંચળમાંથી દૂધની ધારા આપોઆપ જમીન પર પડતી.
ગાય વગડામાં એક જગ્યાએ ઊભી રહેતી, તેના આંચળમાંથી દૂધની ધારા આપોઆપ જમીન પર પડતી.

પગના ખરીના આકારનું શિવલિંગ મળી આવ્યું
મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીએ આપેલી વિગતો મુજબ 1800 વર્ષ પૂર્વે કલોલનો અત્યારે છે એટલો જ્યારે વિકાસ નહોતો. એ સમયમાં અહીં વન વગડો હતો. જ્યાંના માલધારીઓના પશુઓ અહીં ચારો ચરવા આવતા હતા. એ સમયમાં એક ગોવાળની દૂજણી ગાય વગડામાંથી પરત ઘરે આવે અને દોહવા બેસતા ત્યારે તેના આંચળમાંથી દૂધનું એક પણ ટીપુ આવતું ન હતું. આથી ગોવાળને કોઈ શંકા જતાં તે ગાયની પાછળ પાછળ ફરતો અને તેણે જોયું કે તેની ગાય વગડામાં એક જગ્યાએ ઉભી રહેતી અને તેના આંચળમાંથી દૂધની ધારા આપોઆપ જમીન પર પડતી હતી. આશ્ચર્યચકિત થયેલા ગોવાળે ગાયના આંચળમાંથી જે જગ્યા ઉપર દૂધની ધારા પડતી ત્યાં ખોદીને જોયું તો જમીનમાંથી ગાયના પગના ખરીના આકારનું શિવલિંગ મળી આવ્યું હતું.

જમીનમાં ખોદતાં ગાયની પગની ખરી આકારનું શિવલિંગ મળી આવ્યું હતું.
જમીનમાં ખોદતાં ગાયની પગની ખરી આકારનું શિવલિંગ મળી આવ્યું હતું.

શિવલિંગ પર ગાય પોતાના આંચળમાંથી દૂધની ધારા વહેવડાવતી હતી
શિવલિંગ મળી આવ્યા બાદ ગોવાળ દ્વારા વિક્રમ સવંત 263, ઈ.સ. 27/10/206 કારતક સુદ પાંચમના દિવસે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે શિવલિંગ ઉપર ગાય પોતાના આંચળમાંથી દૂધની ધારા વહેવડાવતી હતી તે ગાયનું નામ કપિલા હતું. કપિલા ગાયના નામ ઉપરથી અહીં કપિલેશ્વર મહાદેવનું અત્યારે ભવ્ય મંદિર કલોલમાં નિર્માણ થયેલું છે. સમયના સથવારે મંદિરના સંચાલકો દ્વારા મંદિર પરિસરમાં અન્ય દેવી-દેવતાઓના મંદિર પણ નિર્માણ કરવામાં આવ્યા છે. તળાવ કાંઠે નિર્માણાથી મંદિરમાં પ્રવેશ કરતા જ ભક્તજનો પરમાનંદની શાંતિનો અનુભવ કરે છે. ઉપરાંત મંદિરના સંચાલકો દ્વારા અહીં 60 રૂપિયાની નજીવી રકમથી ફૂલ ભાણું ભોજનમાં પીરસવામાં આવે છે. હોસ્પિટલમાં કોઈ દર્દી સારવાર લેતા હોય અને તેમને ભોજનની જરૂર હોય તો મંદિર સંસ્થાન તરફથી નિશુલ્ક ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે.

1800 વર્ષ જૂના મંદિરનો ચમત્કારિક ઈતિહાસ
1800 વર્ષ જૂના મંદિરનો ચમત્કારિક ઈતિહાસ

60 રૂપિયાની નજીવી રકમથી ફૂલ ભાણું પીરસાય છે
મંદિર સંસ્થાન દ્વારા ધાર્મિક અને અન્ય પ્રસંગોમાં પણ ભાગ લઈ જરૂરિયાત મુજબની સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન સંસ્થાન દ્વારા જરૂરિયાત મંદોને નિશુલ્ક રીતે ભોજન સેવા આપવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં કલોલ શહેરની જનતાની સાથે સાથે આસપાસની પણ ધર્મપ્રેમી જનતા મંદિરે આવી કપિલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ભજન-ભોજનનો આનંદ માણે છે.

શ્રાવણ માસમાં ભોળાનાથને રીઝવવા ભક્તો ઉમટ્યા
શ્રાવણ માસમાં ભોળાનાથને રીઝવવા ભક્તો ઉમટ્યા
અન્ય સમાચારો પણ છે...