કલોલમાં ગેસ લીકેજ થવાના કારણે તંત્ર દોડતું થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે પંચવટી વિસ્તારમાં ગેસ લીકેજની સમસ્યા હોવાથી નજીકમાં આવેલો ફ્લેટ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં લોકોને આંખોમાં બળતરા તેમજ ખાસીનો પ્રોબ્લેમ થતાં ઘણા ખરા લોકોને સારવાર અર્થે પણ મોકલી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કલોલના પંચવટી વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી.
આંખમાં બળતરા તેમજ ખાસી જેવી તકલીફો થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
કલોલમાં આવેલા પંચવટી વિસ્તારમાં ઔડા ગાર્ડન પાસે નગરપાલિકા દ્વારા સંચાલિત પાણીની ટાંકીમાં જ્યાં પાણીને શુદ્ધ કરવા માટે મિલાવવામાં આવતો ક્લોરિન ગેસ અચાનક લીક થતા સમગ્ર વિસ્તારમાં તેને પડઘા પડ્યા હતા. વોટર સંપની બાજુમાં આવેલો રઘુનાથ ફ્લેટમાં ઘણા લોકોને આંખમાં બળતરા તેમજ ખાસી જેવી તકલીફો જોવા મળી હતી. જેથી રઘુનાથ ફ્લેટ આખો ખાલી કરી દેવામાં આવ્યો હતો. જેમાંથી ભોગ બનેલા ઘણા લોકોએ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા સદ્નસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પણ પંચવટી વિસ્તારના તમામ લોકો જોવા માટે રોડ પર આવી ગયા હતા.
ગાંધીનગરથી સ્ટાફ બોલાવતા સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો
ઉલ્લેખનીય છે કે ગેસ લીકેજ અંદાજિત 5:00 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. જેની ખબર પડતા પડતા સાત આઠ વાગી ગયા હતા. જેમાં કલોલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસનો કાફલો તેમજ એમ્બ્યુલન્સ તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ ઉપર આવીને કાબુ મેળવી લીધો હતો. આસપાસના વિસ્તારોમાં તમામ લોકોને માસ પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. જેથી કરીને શ્વાસોશ્વાસની ક્રિયામાં ગેસ ન આવે તેની તકેદારી રાખવા માટે કરવામાં આવી હતી. કલોલ નગરપાલિકા પાસે આવા ગેસ લીકેજ તેમજ ઇમરજન્સી સેવાઓ માટે કોઈ ટેકનીકલ સ્ટાફ ન હોવાથી તમામ સ્ટાફ ગાંધીનગરથી બોલાવવામાં આવ્યો હતો. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા કલોલ વિસ્તારમાં ડિઝાસ્ટર પ્રોબ્લેમ માટે કોઈ ટેકનિકલ સ્ટાફ નથી. જેના કારણે ગાંધીનગરથી સ્ટાફ બોલાવતા સ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે રાહ જોવી પડી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનની ન થવાના કારણે કલોલ ની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.