ફરિયાદ:કલોલના ભીમાસણના ખેડૂતને તેમની જ જમીનમાં પગ ન મૂકવા ધમકી મળી

કલોલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખસે જમીન માલિકના મિત્રના પિતા પર હુમલો કરતાં સાંતેજ પોલીસમાં ફરિયાદ
  • ‘ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે’ને સાર્થક કરતી ઘટના બની

ગાંધીનગર જિલ્લામાં જમીનનાં ભાવો આસમાને જતા માથાભારે શખ્સો જમીન પચાવી પાડવાનાં યેનકેન પ્રકારે પ્રયાસ કરતા હોય છે. ત્યારે કલોલ તાલુકાનાં ભીમપુરા ગામમાં ‘ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે’ને સાર્થક કરતી બનેલી ઘટનામાં ગામના એક ખેડૂતની હાજીપુરાની સીમમાં આવેલી જમીનમાં તેમને જ ન પ્રવેશવાની ધમકી આપી હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે.

કલોલ તાલુકાનાં ભીમાસણ ગામે પરાવાસમાં રહેતા ખેડૂત પ્રહલાદજી રામાજી ઠાકોરે સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમની હાજીપુરની સીમમાં જમીન આવેલી છે. જેના પર ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત તા 23મી સપ્ટેમ્બરે બપોરનાં સુમારે તેમનાં મિત્ર દિનેશજી ખોડાજી ઠાકોરનાં કપ્તાનપુરા સ્થિત ઘરે દિનેશભાઇ સાથે બેઠા હતા. ત્યારે પ્રહલાદજીનાં જ ગામનો બકાજી સદાજી ઠાકોર તેમની કાર લઇને ત્યાં પહોચ્યો હતો અને પ્રહલાદભાઇને તેમની જ હાજીપુર સ્થિત 44 વિઘા જમીન પર પગ મુક્યો તો કાર ચડાવીને મારી નાંખવાની ધમકી આપી હતી.

પ્રહલાદજીએ જણાવ્યુ હતુ કે જમીન મારી છે અને મને પગ મુકવાની ના પાડનાર તું કોણ, જે મુદ્દે ઝપાઝપી થઇ હતી અને દિનેશજી વચ્ચે પડતા બકાજી ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ સાંજે છ વાગ્યાનાં અરસામાં બકાજી સદાજી ઠાકોર, ભરતજી સદાજી ઠાકોર તથા જયંતીજી શનાજી ઠાકોર (રહે હાજીપુર) દિનેશભાઇનાં પિતા ખોડાજીને કપ્તાપુરા પાટીયે મળ્યા હતા. અને તેમનાં દિકરા દિનેશજીને સમજાવી દેવાનું જણાવીને બકાજીએ ખોડાજીનાં પગમાં ધોકો માર્યો હતો. જયારે સાથેનાં બને શખ્સોએ ગાળો આપી ધોલધપાટ કરી હતી. પ્રહલાદજીની ફરીયાદનાં આધારે હેડ કોન્સ્ટેબલ ડી બી મકવાણાએ આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...