કલોલમાં વ્યાજખોરોના ત્રાસ દિવસે ને દિવસે જાણે વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેના કારણે માસુમ પરિવારો વ્યાજખોરોના ત્રાસથી પોતાના જીવન સાથે ચેંડા કરવા મજબૂર બની જાય છે. તેવો એક કિસ્સો હમણાં જ બન્યો છે. જ્યાં ભજીયાની લારી ચલાવનાર ઇસમ વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું એટલે કે કેનાલમાં કૂદકો મારી પોતાનો જીવ ગુમાવી બેઠો હતો. તે બનાવ હજુ ઠંડો પણ પડ્યો નથી અને ત્યાં બીજો એક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક પરિવારનો દીકરો વ્યાજખોરોના ત્રાસના કારણે ઘર છોડીને ચાલ્યો ગયો છે. ત્યાં તેમના પરિવારે ઘણા પ્રયત્નોથી વ્યાજખોરોને કહ્યું હતું કે, મારા દીકારને રૂપિયા ન આપશો, તેમછતાં વ્યાજખોરોએ પૈસા આપ્યાને આજે અમારે આ દિવસ જોવાનો વારો આવ્યો. સાથે 40 લોકોનો પરિવાર આ કારણે મોતને વહાલું કરવા તૈયાર થઈ ગયો છે. ત્યારે શું છે સમગ્ર મામલો વિગતવાર જોઈએ...
પરિવાર જૂની સાડીઓનો ધંધો કરી ગુજરાન ચલાવે છે
કલોલમાં રહેતો મીર પરિવાર જેવો આર્થિક રીતે બહુ જ નબળા એટલે કે ઝુંપડીમાં રહીને સુરતથી જૂની સાડીઓ લાવીને તેનો ઢગલો કરીને વેપાર કરી ગુજરાન ચલાવે છે. મીર પરિવારનો દીકરો જૂની સાડીઓ લાવીને ઢગલો કરી વેપારના ધંધામાં સંકળાયેલો હતો. જેથી ધંધાના અર્થે તેને બાબાભાઈ કરી શખ્સ પાસેથી 10 હજાર રૂપિયા લીધા હતા. જેને રોજના રૂ. 300 કરી 50 દિવસમાં ચૂકવી દેવાના હતા. મીર પરિવારનો દીકરો સલીમ બાબાભાઈ શેખ ઉર્ફે ગુડ્ડુ પાસેથી પહેલી વખત લીધેલા પૈસા સમયસર ચૂકવી દેતા ત્યારબાદ તેને ફરીથી મોટી લોન લીધી તી તે પણ તેણે ચૂકવી દીધી. જેથી મીર સલીમનો વ્યવહાર જોઈને બાબા ભાઈ શેખ ઉર્ફે ગુડ્ડુ તેને અવારનવાર રૂપિયા આપવા લાગ્યો અને પઠાણી વ્યાજની જેમ વ્યાજ ભરીને પણ સલીમ લીધેલા વ્યાજે પૈસા ચૂકવી દેતો હતો.
જો વ્યાજના પૈસા 5 મિનિટ મોડા તો વ્યાજ ડબલ
અવારનવાર ટુકડે ટુકડે કરી મીર સલીમે બાબાભાઈ ઉર્ફે ગુડ્ડુ પાસેથી કુલ 1 લાખ 35 હજાર રૂપિયા વ્યાજ પેટે લીધા હતા. જ્યારે મિ ર સલીમે બાબાભાઈ ઉર્ફે ગુડ્ડુને તેની સામે 1,50,000 પરત પર કરેલા તેમછતાં બાબાભાઈ ઉર્ફે ગુડ્ડુ વ્યાજખોર તેની પાસે 93 હજાર રૂપિયા વ્યાજ પેટેના વધારાના માંગી અવારનવાર ઉઘરાણી કરતો. ફોન ઉપર પૈસાની ઉઘરાણી માટે બેફામ તેમજ બિભસ્થ અપશબ્દો પણ આપતો. મીર સલીમ જ્યારે તેને કીધેલો વાયદો ચૂકી જતો તો વ્યાજખોર બાબાભાઈ ઉર્ફે ગુડ્ડુ વ્યાજની રકમ બમણી કરી નાખતો. જેમકે સલીમે તેને 10 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય તો, દસ વાગ્યે જો એ પૈસા ન પહોંચતા કરતો તો 10:05એ વ્યાજની રકમ બમણી થઈ જતી. જેને બાબાભાઈ ઉર્ફે ગુડ્ડુ પેનલ્ટીના સ્વરૂપે ખપાવતો હતો.
વ્યાજખોર વારંવાર ફોન કરી ધમકાવતો
જ્યારે મીર પરિવારનો બીજો દીકરો ઇકબાલ પણ આ વ્યાજના ચૂંગલમાં ફસાયેલો હતો. ઈકબાલે પણ બાબાભાઈ ઉર્ફે ગુડ્ડુ પાસેથી 1 લાખ 10 હજાર રૂપિયા લીધેલા હતા. જેના બદલામાં 56 હજાર ચૂકવેલા પણ હતા. તેમ છતાં વ્યાજખોર બાબાભાઈ ઉર્ફે 80 હજાર રૂપિયાની વધારાના વ્યાજની માંગણી કરતો હતો અને તે બાબત પણ તે પેનલ્ટીના નામે કપાવતો હતો. ઈકબાલને પણ જ્યારે ફોન ઉપર વાત કરતો તો ઈકબાલ સાથે બેફામ ગાળાગાળી કરતો જેના કારણે ઈકબાલ ફોન કાપી દેતો હતો. તો ઉપરા ઉપરી ફોન કરીને ધમકાવતો હતો.
'તારે જેને પણ બોલાવા હોય તેને બોલાવી રાખજે'
સલીમને જ્યારે ફોન કરતો ત્યારે વ્યાજખોર બાબાભાઈ ગુડ્ડુ તેને એવી પણ ધમકી આપતો કે " પૈસા કાલે પેનલ્ટી સાથે પૂરા આપી દેજે અને તારે જેને પણ બોલાવી રાખવા હોય તેને બોલાવી રાખજે". જ્યારે સામે સલીમ એવું કહેતો કે, ભાઈ મારે કોઈને નથી બોલાવવા, તો વ્યાજખોર કહેતો કે, મારી વાત સાંભળ મારે તને મારવો હોય તો અત્યારે હાલ પણ તને મારી શકું છું અને તારા પાછળ કોઈપણ ઈસમ સપોર્ટમાં હોય તેને પણ મારી શકું છું. અને હા આ બાબતની તારે પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો પણ કરી દેજે. મને પોલીસની બીક લાગતી નથી. મને મારા પૈસા પેનલ્ટી સાથે જોઈએ.
ચાર દિવસથી શોધીએ છીએ પણ મળતો નથી
જે બાબતે સલીમ મીરના પિતાએ જણાવ્યું હતું કે, આ બાબાભાઈ ઉર્ફે ગુડ્ડુને મેં મારા દીકરાને પૈસા ન આપવા માટે કહેલું હતું, તેમ છતાં તે પૈસા આપી એને આ ચક્રવ્યુહમાં ફસાવતો જતો હતો. પેનલ્ટી ઉપર પેનલ્ટીઓ લગાવી નાની રકમને મોટી બનાવી મારા દીકરા સલીમ ઉપર અવારનવાર ફોન ઉપર ધમકીઓ આપી તેના ઉપર એટલો ત્રાસ ગુજારી દીધો હતો કે મારો દીકરો સલીમ તેની પત્ની અને એની ત્રણ નાના નાની બાળકીઓને લઈને નીકળી ગયો છે. જે છેલ્લા ચાર દિવસથી અમે તેને શોધીએ છીએ પણ મળતો નથી. અમને એવી બીક છે કે, અમારો દીકરો આ ત્રણ નાની નાની દીકરીઓ સાથે કોઈ પગલું ન ભરી લે. જે બાબતને લઈને અમે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.