તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ફફડાટ:પલોડીયા ગામની સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા ,64,000ના મુદ્દામાલની ચોરી

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્રજગોપી ગ્રીન્સ સોસાયટીમાં પતિ-પત્ની ઉપરના રૂમમાં સૂતા હતા
  • બારી તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો સોના -ચાંદીના દાગીના ટેબલેટ તેમજ રોકડા 20000 ચોરી ગયા: સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ

કલોલ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અવારનવાર ચોરીના બનાવોને અંજામ આપતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. જેમાં પલોડીયા ગામની એક સોસાયટીમાં બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશેલા તસ્કરો રૂ.64,000નો મુદ્દામાલ ઉઠાવી પલાયન થઈ ગયા હતા.આ બનાવથી ગામ તેમજ આસપાસના ગામોના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલ તાલુકાના પલોડીયા ગામે ખ્યાતી કોલેજની બાજુમાં આવેલ વ્રજગોપી ગ્રીન્સ સોસાયટીમાં રહેતા પ્રિયેશ બળદેવભાઇ પટેલ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

આ દરમિયાન ગત તા.22 જૂને તેઓ રાત્રી દરમિયાન ઘરને લોક કરી પોતાની પત્ની સાથે ઉપરના માળે સુવા માટે ગયેલા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં નીચેના બેઠક રૂમની સ્લાઇડર બારીની ગ્રીલ પટ્ટી વાળી નાખી તસ્કરોએ ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. અને નીચેના બેડરૂમમાં આવેલ કબાટોમાં રહેલ રોકડા રૂ.20,000 તેમજ રૂ.10,000ની કિમતની 2 નંગ ટાઇટન ની કાંડા ઘડીયાળ, રૂ.24,000ના ચાંદીના દાગીના રૂ.10,000ની કિમતનું ટેબલેટ મળી કુલ રૂ.64,000નો મુદ્દામાલ લઇ પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે સાંતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી કલોલ તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવી વિવિધ ગામોને નિશાન બનાવ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોમાં ભારે ચિંતાની લાગણી જોવા મળી રહી છે જેના કારણે અનેક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં રાત્રિ પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામા આવે તેવી માગણી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...