તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:શિવભક્ત સિદ્ધરાજને જૂનાગઢ સર કરવામાં સઇજના મહાદેવના આશિર્વાદ ફળ્યા હતા

કલોલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સઇજના મહાદેવના દર્શને અનેક ભાવિકો આવે છે. - Divya Bhaskar
સઇજના મહાદેવના દર્શને અનેક ભાવિકો આવે છે.
  • રાજા સિધ્ધરાજ 900 વર્ષ પૂર્વે જૂનાગઢ સર કરવા લશ્કર સાથે જવા નીકળ્યા હતા
  • આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમા શિવલિંગના સ્થાને રાજાએ શિવાલયનું નિર્માણ કરાવ્યું હતુ

ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં પ્રચલિત સઇજ ગામમાં આવેલુ પ્રાચિન શિવાલય સિધ્ધનાથ મહાદેવના નામથી ઓળખાય છે. લોકવાયકા એવી છે કે સઇજ ખાતેના મહાદેવના આશિર્વાદ અને કૃપાથી પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહે જૂનાગઢ સર કર્યુ હતું. શિવભક્ત રાજા સિધ્ધરાજ પાટણથી અમદાવાદ જતા સઇજમાં રાત્રી રોકાણ કર્યુ હતું. ત્યારે તેમની નજર એક વૃક્ષ નીચે સ્થાપિત શિવલિંગ પર પડી હતી. રાજા સિધ્ધરાજ જૂનાગઢથી પરત જતી વખતે પણ સઇજ ખાતેના શિવલિંગના દર્શન કરીને પાટણ ગયા હતાં.

સઇજના સિધ્ધરાજ મહાદેવના શિવાલયનો ઇતિહાસ 900 વર્ષ જુનો છે. લોકવાયકા અનુસાર પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહ 900 વર્ષ અગાઉ જૂનાગઢ સર કરવા લશ્કરના કાફલા સાથે જવા નીકળ્યા હતાં. પાટણથી અમદાવાદ જતા રસ્તામાં સઇજ ગામની સીમમાં પહોંચતા સંધ્યાકાળનો સમય થયો હતો. એટલે રાત્રીના સમયે આગળ જવા તત્પર લશ્કરને રાજા સિધ્ધરાજે વિસામો કરવા આ સ્થળ ઉત્તમ હોવાનું કહ્યું હતું અને સઇજની સીમમાં લશ્કરે પડાવ નાંખ્યો ત્યારે સૈનિકો સાથે રાજા સિધ્ધરાજ પણ સાથે હતાં.

શિવભક્ત રાજા સિધ્ધરાજની નજર એક વૃક્ષ નીચે કંઇક ચમકતા પથ્થર ઉપર પડી હતી અને તેમના મનમાં આ જગ્યાનો પ્રભાવ કંઇક જુદો હોવાનો તેમને ભાસ થવા લાગ્યો હતો. વૃક્ષ નજીક જઇને નજર કરતાં જમીનમાં શિવલિંગ જોવા મળ્યુ હતું. રાજા સિધ્ધરાજ શિવભક્ત હોવાથી તેમને એવો ભાવ પ્રગટ થયો હતો કે આ તો શિવજી પ્રગટ થયા છે. તેમની પૂજા અર્ચના અને ભક્તિ કર્યા વગર હવે લશ્કરને લઇ જૂનાગઢ જવુ યોગ્ય નથી. જેથી તેઓ શિવલિંગ પાસે બિરાજમાન થઇ ગયા અને પ્રાત:કાળે તેમણે શિવલિંગની પૂજા કરી મહાદેવ શિવશંકર સમક્ષ પ્રાર્થના કરી આશિર્વાદ મેળવ્યા હતાં. ત્યાર બાદ રાજા સિધ્ધરાજ લશ્કરના કાફલા સાથે ત્યાંથી જૂનાગઢ પ્રયાણ કર્યુ હતું. રાજા લશ્કર સાથે જૂનાગઢ પહોચ્યા બાદ સૈનિકોને સાબદા કર્યા હતાં અને જૂનાગઢ પર ચઢાઇ કરી હતી. ત્યારે જૂનાગઢના પ્રતાપી રાજા રા ખેંગારને પરાસ્ત કર્યા હતાં અને ત્રણ દિવસમાં જૂનાગઢ સર કર્યુ હતું. એવી લોકવાયકા આજે પણ પુસ્તકોમાં જોવા મળે છે. જૂનાગઢ સર કર્યા બાદ પરત પાટણ જતી વખતે રાજા સિધ્ધરાજ સઇજમાં શિવલિંગના સ્થાને આવ્યા હતાં અને ત્યાં શિવલિંગની પૂજા કરી પાટણ જવા રવાના થયા હતાં અને પાટણ જઇને સઇજમાં શિવાલયના નિર્માણ માટે આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...