સી.જે. ચાવડાએ BJP-AAPને આડેહાથ લીધા:કહ્યું, "ગુજરાતનો 'કમો' નિષ્ફળ ગયો તો દિલ્હીથી 'કમો' ઊભો કર્યો, ભાજપના આ 'કમાઓ'એ ગુજરાતનું રોશન વાળ્યું"

કલોલ21 દિવસ પહેલા

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સોમવારે કલોલમાં કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશજી ઠાકોર, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ગાંધીનગરના ધારાસભ્ય સી. જે. ચાવડા તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગાંધીનગરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ અરવિંદ કેજરીવાલને 'દિલ્હીનો કમો' લેખાવી ગુજરાતનો કમો નિષ્ફળ ગયો તો દિલ્હીનો કમો ઊભો કર્યો એમ કહીને ભાજપ અને આપ બંને સામે આકરા પ્રહારો કર્યા હતા.

કલોલ ખાતે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક યોજાઇ
કલોલ ખાતે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક યોજાઇ

'દિલ્હીના કમાને કહ્યું કે તું જા, જાહેરાતો કર'
તેમણે ભાજપ સામે નિશાન તાકતાં કહ્યું હતું કે ભાજપ સરકારે 10-10 વાર ગુજરાતના સર્વે કરાવ્યા, જેમાં ભાજપની 65 સીટથી વધારે સીટ આવતી નથી. જેથી ગુજરાતનો 'કમો' નિષ્ફળ ગયો તો દિલ્હીમાંથી 'કમો' (અરવિંદ કેજરીવાલ) ઊભો કર્યો. દિલ્હીના કમાને કહ્યું કે તું જા, જાહેરાતો કર. તારું પેપરમાં નામ આવે એટલે તમારે ત્યાં ખાલી ખાલી દરોડા પડાવીશું, તમે જાહેરાતો કરો, તમારી પાર્ટીના નેતાઓ ઉપર દરોડા કરાવીશું અને ગમે તેમ કરીને કોંગ્રેસના મત તોડવાનું કામ કર. તમારી પાર્ટીને કોઈ નડતો હોય તો એના વિરૂદ્ધ પણ અમે દરોડા પાડીશું.

સી.જે. ચાવડાનો પ્રહાર, "કમાને મોકલી કહ્યું, ગમે તેમ કરી કોંગ્રેસના મત તોડવાનું કામ કર"
સી.જે. ચાવડાનો પ્રહાર, "કમાને મોકલી કહ્યું, ગમે તેમ કરી કોંગ્રેસના મત તોડવાનું કામ કર"

'દિલ્હીના કમાને બધી છૂટ સાથે મોકલ્યો'
વધુમાં તેમણે આમ આદમી પાર્ટી ઉપર ભાજપની "B" ટીમ કહીને પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપે ગુજરાતમાં દિલ્હીના કમાને બધી છૂટ સાથે મોકલ્યો છે. પણ ભાજપના આ 'કમાઓ'એ તો ગુજરાતનું રોશન વાળી દીધું છે.

કારોબારી બેઠકમાં જગદીશ ઠાકોર સહિતના કોંગી કાર્યકરો હાજર રહ્યા
કારોબારી બેઠકમાં જગદીશ ઠાકોર સહિતના કોંગી કાર્યકરો હાજર રહ્યા

'ગુજરાતના પાટનગરમાં કોંગ્રેસનો દબદબો'
કારોબારી બેઠકમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશજી ઠાકોરે જણાવ્યું હતું કે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ ગાંધીનગરના ધારાસભ્ય સી.જે ચાવડા તથા માણસાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલે ગાંધીનગરમાં જે ગુજરાતનું પાટનગર કહેવાય તેમાં કોંગ્રેસનો દબદબો જાળવી રાખ્યો છે. જેમાં તેમણે ભાજપના શાસનની "ફેંટ" પકડીને વિકાસ કર્યો છે.

આંગણવાડી બહેનોએ જગદીશ ઠાકોરને આવેદન આપ્યું
આંગણવાડી બહેનોએ જગદીશ ઠાકોરને આવેદન આપ્યું

'ભાજપથી ત્રાસેલી બહેનો કોંગ્રેસના સપોર્ટમાં આવી'
વધુમાં આંગણવાડી બહેનોના પ્રશ્નોને લઈને કલોલની તમામ આંગણવાડી બહેનો જે હડતાલ ઉપર છે, તે તમામનાં ટોળાએ આજે જગદીશજી ઠાકોરને તેમના હકોની માંગણી માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આંગણવાડી બહેનોને જગદીશજી ઠાકોર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે તો સૌ પ્રથમ આપની માંગણીઓનું નિવારણ લાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારથી ત્રાસી જઈને આજે આંગણવાડી બહેનો જાહેરમાં કોંગ્રેસના સપોર્ટમાં આવી છે. તે બદલ તેમણે આંગણવાડી બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...