ક્રાઇમ:કંપનીના 2 સિક્યુરિટીગાર્ડને બાંધીને 1.60 લાખના કોપર વાયરોની લૂંટ

કલોલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છત્રાલની જીઆઇડીસીમાં બનેલી ઘટના
  • રાત્રે અઢી વાગે ત્રાટકેલા 4 શખસે બંનને બાંધી દીધા હતા

કલોલનાં છત્રાલનાં જીઆઇડીસી ફેજ નં 4માં આવેલી કંપનીમાં બુધવારની પૂર્વ રાત્રે ત્રાટકેલા 4 લૂંટારુઓએ કંપનીમાં ફરજ બજાવતા બે સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને શટર સાથે બાંધી લઇને ઓરડીનું ઇન્ટર લોક તોડીને રૂ. 1,60,000ની કિંમતનો 800 કિલો કોપરનો વાયર લૂંટીને ફરાર થઇ ગયા હતા. સવારે આ અંગે સિક્યુરીટી એજન્સીને જાણ થતા કોન્ટ્રાકટર દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કલોલનાં બોરીસણા ગામે રહેતા અને દિપ સિક્યુરીટીઝ ચલાવતા રજનીશભાઇ રમાશંકર દ્રિવેદીએ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમની સિક્યુરીટીનું કામ છત્રાલ જીઆઇડીસીમાં ચાલે છે. જેમાં ફેજ નં 4માં પ્લોટ નં 3429, 3434 તથા 3441માં મોકરીયા કોપર એન્ડ એલોઇઝ પ્રા.લિ. કંપનીમાં પણ તેમનાં સિક્યુરીટી મુકવામાં આવ્યા છે. બુધવારે સવારે તેમનાં ફિલ્ડ ઓફિસર અરવિંદભાઇએ રજનીશભાઇને ઘરે જઇને જાણ કરતા દોડી ગયા હતા અને ફરજ પરનાં ગાર્ડ હિરેન પરમારની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે તે રાત્રે અઢી વાગ્યાનાં અરસામાં કંપનીમાં લાઇટ ન હોવાથી ટોર્ચ લઇને રાઉન્ડમાં હતો.

ત્યારે પાછળથી બે શખ્સોએ આવીને તેમને પકડી લીધો હતો. જયારે ત્યાં સુઇ રહેલો અન્ય ગાર્ડ શીવાકાંતને પણ પકડી લીધો હતો. અને ચૂપ રહેવાની ધમકી આપીને પ્રેસ વિભાગનાં શટર સાથે બંનેને કપડાથી બાંધી દીધા હતા. અને એક શખ્સ ત્યાં ઉભો હતો અને બીજા ગેટ તરફ ગયા હતા. અડધો કલાક પછી બહારની સાઇડ વાહનનો અવાજ સંભળાયો હતો અને હિન્દીભાષી લૂંટારૂઓ તેમને છોડીને નાસી ગયા હતા. બનાવ બાદ બંને સિક્યુરીટીએ તપાસ કરતા ગેટ પાસે આવેલી બંધ ઓરડીનું લોક તુટેલુ હતુ. જેના પગલે ફિલ્ડ ઓફિસર અરવિંદભાઇને ફોન કરીને જાણ કરતા દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...