કાર્યવાહી:સાંતેજમાં જુગારધામ પર દરોડો, 6 જુગારી ઝડપાયા, રૂ.39,750ની રોકડ જપ્ત, 1 ફરાર

કલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શ્રાવણનાં પ્રારંભ સાથે જ કલોલ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં જુગારનાં અડ્ડાઓ ધમધમવા લાગ્યા છે. પોલીસે જુગારની પ્રવૃતિને રોકવા પેટ્રોલિંગ સઘન કર્યુ છે. ત્યારે ગુરૂવારે રાત્રે પોલીસે સાંતેજનાં મોટા ઠાકોરવાસમાં દરોડો પાડીને 6 જુગારીઓને ઝડપી લીધા હતા. જયારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરાર જુગારીયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. સાંતેજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતો અનુંસાર પીએસઆઇ રમલાવત પોતાની ટીમ સાથે રકનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા.

ત્યારે ઇન્ચાર્જ પીઆઇ એલ એચ મસાણીને સાંતેજમાં જ મોટા ઠાકોરવાસમાં પસાજી ભલાજી ઠાકોરની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે જડતી વોરંટ લઇને પંચો સાથે દરોડો પાડતા અર્જુનજી વાઘાજી ઠાકોર (રહે- અંબાજીનું પરુ, સાંતેજ) પોલીસને થાપ આપીને ભાગી ગયો હતો.

જયારે દિનેશજી ભઇજીજી ઠાકોર, બળદેવજી પૂંજાજી ઠાકોર, ભાવેશજી અંબારામજી ઠાકોર (ત્રણેય રહે- મોટો ઠાકોરવાસ, સાંતેજ), રાજેશજી ગાભાજી ઠાકોર, અજીતજી નારણજી ઠાકોર તથા વનરાજજી દશરથજી ઠાકોર (ત્રણેય રહે- અંબાજીનું પરુ, સાંતેજ) ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી તથા દાવ પરથી રૂ. 39,570ની રોકડ જપ્ત કરીને જુગારધારાની કલમ 4 તથા 5 હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.