કલોલ શહેરમાં આવેલી વર્ધમાનનગર સોસા.ના રહેણાંક વિસ્તારમાં આડેધડ થયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે પ્રચંડ માગણી ઉઠી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) સમક્ષ સોસાયટીના તમામ રહીશો દ્વારા રજૂઆત કરી તાકિદે કાયદેસર પગલા ભરવા માગણી કરવામાં આવી છે.
અંગેની વિગતો એવી છે કે કલોલ શહેરમાં ઔડાની ટીપી સ્કીમ નંબર-૭માં આવેલી વર્ધમાનનગર સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યા છે. તેવી ફરિયાદ સોસાયટીના રહીશો દ્વારા ઔડાના સત્તાવાળાઓ સમક્ષ કરવામાં આવી છે. તેમાં જણાવાયુ છે કે આ સોસાયટી વિસ્તારમાં NOC અને BU પરમિશન તેમજ પાર્કિંગ વગર ૨૬ હોસ્પિટલો ધમધમી રહી છે. આ હોસ્પિટલના બાંધકામમાં કોઇ પણ પ્લાન મંજૂર કરાવવામાં આવ્યા નથી અને આડેધડ વધારાનું બાંધકામ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશો ભારે પરેશાની વેઠી રહ્યાં છે.
આ ઉપરાંત આ તમામ હોસ્પિટલો દ્વારા ગેરકાયદેસર રીતે પાણીના જોડાણ પણ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ તમામ પાણીના જોડાણ કાપી નાંખવા માટે માગણી કરવામાં આવી છે. ઔડાને લેખિત પત્રમાં જણાવાયુ છે કે આ અંગે કલોલ નગરપાલિકાના સત્તાધિશો સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ સુધી કોઇ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી.
આ તમામ રજૂઆતની એક એક નકલ કલેક્ટર, કલોલ પાલિકાના ચિફ ઓફિસર, કલોલ પોલીસ અને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે. વર્ધમાન સોસાયટીમાં આડેધડ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવતા સોસાયટીના અન્ય રહીશોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે રોષે ભરાયેલા રહીશોએ ઔડા સમક્ષ રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.