રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સીટીઓ સાથે જોડવાનાં નિર્ણય બાદ રાજ્યભરમાં વિરોધનાં સૂર ઉઠ્યા છે. સરકારી કોલેજોનાં અધ્યાપકો તેમજ નાગરીકો બંને આ મુદ્દે સરકાર સામે મેદાને છે. ત્યારે કલોલમાં પણ અધ્યાપકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતુ.
કલોલનાં સ્થાનિક સુત્રોનાં જણાવ્યાનુંસાર સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોને જોડવાના નિર્ણયનો કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કલોલની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણનો વિરોધ નોંધવ્યો હતો. કોલેજોના ખાનગીકરણથી જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓ તગડી ફી ના ભરી શકવાથી શિક્ષણથી વંચિત થશે. શિક્ષણના વ્યવસાયિકરણને અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ખાનગીકરણ બંધ કરો એવા સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર અવાજ ઉઠાવ્યો હતો. સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજો કે જેમાં નજીવી ફી ભરીને લાખો યુવાન યુવતીઓ આર્ટ્સ. સાયન્સ અને કોમર્સ કોલેજોમાંથી શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે છે.
આવા વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાનું આ ષડયંત્ર ગણાવી રહ્યા છે. જો કોલેજોનું ખાનગીકરણ થશે તો હજારો ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ બંધારણીય અધિકારોથી વંચિત થઇ જશે તેવી લાગણી નાગરીકોમાં નિર્માણ થઇ છે. રાજ્યમાં અન્ય શહેરોમાં પણ આ પ્રકારે વિરોધ પ્રદર્શીત થઇ રહ્યો છે. ત્યારે આગળ સરકાર શું નિર્ણય લે તે જોવુ રહ્યું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.