અકસ્માત:ડમ્પરની ટક્કરે બાઈક પર જતાં માતા-પિતા, દોઢ વર્ષના પુત્રનું મોત

કલોલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. - Divya Bhaskar
અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
  • શેરિસા પાસેની ઘટનામાં ડમ્પરનું ટાયર ફરી વળ્યું, ચાલક ફરાર

શેરીસા ગામ નજીક અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોનાં મોત થયાં છે. ડમ્પરની ટક્કરે બાઈક પર જતાં માતા-પિતા અને દોઢ વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ત્રણેય પરથી ડમ્પરના ટાયર ફરી વળતાં રોડ પર અરેરાટીભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં. બનાવ અંગે પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગિતમાન કર્યા છે.

શેરીસા ગામના વિષ્ણુજી બાબુજી ઠાકોર (24) પત્ની ભારતીબેન (22) તથા દોઢ વર્ષના પુત્ર ચેહરને લઈને બાઈક પર ખેતરમાં ગયા હતા. ખેતરમાંથી કામ પૂરું કરીને બપોર પછી બાઈક પર પરત જવા નીકળ્યા હતા. ખેતરમાંથી બાઈક કાઢીને રોડ પર આવતાં જ કેનાલ તરફથી ફૂલ સ્પીડમાં આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં બાઇક ઉછળ્યું હતું. જેમાં દોઢ વર્ષનું બાળક અને માતા-પિતા રોડ પર પટકાયા હતા. એટલું જ નહીં, તેમના પરથી ડમ્પરના ડાયર ફરી વળ્યા હતા. જેમાં દોઢ વર્ષના બાળક અને તેના પિતાનું માથુ ફાટી ગયું હતું જ્યારે માતાને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતમાં એક જ પરિવારના ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગે જાણ કરતાં કલોલ તાલુકા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતકોની લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

પોલીસે અકસ્માત બાદ ભાગી ગયેલા ડમ્પર ચાલકની શોધખોળ આદરી છે. અકસ્માતમાં શેરીસા ગામના એક જ પરિવારના ત્રણ લોકોના મોતને પગલે ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...