• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • Organizing A Camp For Trekkers In The Month Of Bhadrawa In Kalol; The Camp, Which Started 34 Years Ago, Is Still Functioning, With The Kitchen Closed For Only 4 Hours A Day

ભજીયાથી પાકા ભોજન સુધી:કલોલમાં ભાદરવા મહિનામાં પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન; 34 વર્ષ પહેલાં શરૂ થયેલો કેમ્પ અત્યારે પણ કાર્યરત, દિવસમાં ફક્ત 4 કલાક રસોડું બંધ રહે છે

કલોલ22 દિવસ પહેલા

કલોલ કપિલેશ્વર મંદિર દ્વારા ભાદરવા મહિનામાં પગપાળા ચાલતા યાત્રીઓ માટે 6 દિવસ માટેનો ફુલ ભોજન કેમ્પ યોજવામાં આવે છે. જેની શરૂઆત 1988માં થઈ હતી. અને અમુક કારણોસર તેને બંધ કરવાનો વારો આવ્યો હતો. પરંતુ તેને કલોલ કપિલેશ્વર મંદિર દ્વારા આગળ વધારવાનો બેડો ઉઠાવવામાં આવ્યો અને કઈ રીતે તેની કાયાપલટ થઈ તેના પર નજર કરીએ.

આ કેમ્પની શરૂઆત કેવી રીતે થઈ?
આજથી આશરે 34 વર્ષ પહેલા 1988માં કલોલમાંથી 5 કે 6 વ્યક્તિઓ દ્વારા 'જય અંબે સેવા કેમ્પ'ના નામથી 'ભજીયા'નો કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. જે કેમ્પ 5 વર્ષ સતત આ લોકો દ્વારા આયોજનબદ્ધ કરવામાં આવતો હતો. સામાજિક કારણોથી 5 વર્ષ બાદ આ કેમ્પ યોજવો કે નહીં એવી અટકળો ચાલુ થઈ. એટલે કે 1988થી 1992 સુધી આ કેમ્પ ચલાવવામાં આવ્યો અને પછી હવે એને આગળ ધપાવવા માટે અટકળો ચાલુ થઈ.

કલોલ કપીલેશ્વર મંદિરે કેમ્પને આગળ ચલાવવા માટેનું બેડું હાથમાં લીધું
1992માં સામાજિક કારણોથી જય અંબે સેવા કેમ્પ બંધ થવાના કગાર ઉપર હતો. તે સમયે કલોલ કપીલેશ્વર મહાદેવ મંદિરના મહંત ભગવતાનંદજીની પ્રેરણાથી મંદિરના આયોજકોએ બેડુ ઝડપી લીધું. શરૂઆતમાં કપીલેશ્વર મંદિરના આયોજકો દ્વારા 'પૂરી શાક' થી કેમ્પ ચાલુ રાખ્યો. તે સમયે અંદાજિત 50થી 70 સેવકોએ આ કેમ્પને પૂરો પાડવા મહેનત લગાવી દીધી હતી. પૂરી શાકના કેમ્પમાં રોજ 5થી 7 હજાર જેટલા માં જગદંબાના ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવતો હતો.

કલોલ તેમ જ આજુબાજુ માં રહેતી જનતાનો પણ સાથ મળ્યો
કલોલ કપીલેશ્વર કેમ્પના સ્વયંસેવકોનું કામ જોઈને કલોલની જનતા તેમજ વેપારીઓનો પણ સાથ મળ્યો. કોઈએ 5 કોઈએ 50 તો કોઈએ 500 યથાશક્તિ પ્રમાણે યોગદાન આપીને દર વર્ષે જમવાની વાનગીઓમાં એક એક વાનગી વધારતા ગયા. અને ભજીયાથી શરૂ થયેલો કેમ્પ આજે 12 વર્ષે બાદ ફુલ ભાણું ( પુરી ડીસ ) આપવા લાગ્યો. જેમાં ચોખ્ખા ઘીનો શીરો, 2 જાતના શાક, પુરી, ફૂલવડી, દાળ અને ભાત એમ કુલ 8 જાતની વાનગી પીરસવા માંડ્યો. કેમ્પ શરૂ થયા ને 12 વર્ષે રોજના માં જગદંબાના પગપાળા યાત્રાળુઓ વધતા ગયા. અને 12,000થી 15,000 જેટલા લોકો એક દિવસમાં શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરના કેમ્પનો પ્રસાદ લેવા લાગ્યા.

કલોલ અને તેની આજુબાજુના NRIઓ પણ સેવા આપવા કુદી પડ્યા
કપિલેશ્વર મહાદેવ મંદિરના મહંત ભગવતાનંદજી દેવલોક પામ્યા બાદ હાલના મહંત શ્રી પૂર્ણાનંદજી તથા તેમના સ્વયંસેવકો તેમજ આયોજકો દ્વારા આપવામાં આવતી સેવાઓ જોઈને કલોલ વાસીઓ તેમજ વેપારીઓ તેમજ કલોલ આજુબાજુના ગામડાના માણસો તથા કલોલના લોકો જે વિદેશમાં વસતા એન‌.આર.આઈ જનતાનો સપોર્ટ વધારે મળવા લાગ્યો. જેનાથી સ્વયંસેવકો તેમજ આયોજકોમાં પ્રેરણા તેમજ કામ કરવાનો જુસ્સો વધી ગયો. સ્વયંસેવકોની સંખ્યામાં વધારો થયો અંદાજિત 100થી વધારે સ્વયંસેવકો તેમજ આયોજકો કેમ્પને સફળ બનાવવા માટે રાત-દિવસ મચી પડતા હતા. 1988માં શરૂ થયેલા કેમ્પથી આજ દિન સુધી કપિલેશ્વર કેમ્પમાં રોજના 25 હજાર જેટલા પગપાળા યાત્રાળુઓ પ્રસાદ લે છે.

દિવસ દરમિયાન રસોડું માત્ર 4 કલાક માટે આરામ અપાય છે
કપિલેશ્વર મહાદેવ મંદિર દ્વારા કેમ્પમાં જે રસોડું ચાલતું હોય છે. તે 24 કલાકમાંથી માત્ર 4 કલાક માટે બંધ હોય છે. જેથી કામ કરતાં સ્વયંસેવકોને પણ થોડો આરામ મળી રહે. રાત્રિના 12 વાગ્યાથી રસોડું બંધ થાયતો સવારે 4 વાગ્યે રાબેતા મુજબ કામ શરૂ થઈ જાય. અને હા ખાસ વાત તો કહેવાની રહી જ ગઈ 4 કલાક બંધ રહેવાના કારણે માં જગદંબાના ભક્તોને તો પ્રસાદતો અવિરત જ મળે રસોડું બંધ હોય પણ પ્રસાદ તો 24 કલાક ચાલુ જ હોય.

આયોજકોને પૂછવામાં આવ્યું કે કામ પૂરું કેવી રીતે પાડો છો ??
કપિલેશ્વર કેમ્પના આયોજકોને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે, અમે આ કેમ્પ ભાદરવા મહિનાની નોમથી ચાલુ કરીએ તો પૂનમ સુધી ચાલુ હોય એટલે કે 6 દિવસ પણ અમારું કામ આગળના દસ દિવસથી ચાલુ થઈ જાય છે. સૌપ્રથમ તો સરકારી પરવાનગીઓ મેળવવી. કેમ્પનું સ્થળ નક્કી કરવું. સ્થળ નક્કી થયા બાદ એ જમીન ઉપર લેવલિંગ પણ કરવાનું હોય છે. ત્યારબાદ લાઈટ વ્યવસ્થા ઉભી કરવી. પણ માં જગદંબાના સેવાના કામમાં કોઈ જાતની અડચણ આજદિન સુધી આવી નથી. માં અંબેની કૃપાથી ભજીયાથી શરૂ થયેલો આ કેમ્પ પુરા ભોજન સાથે 34મું વર્ષ પૂર્ણ કરશે. પણ માં અંબેએ આજદિન સુધી કોઈ વિઘ્ન આવવા દીધું નથી. વધુમાં આયોજક એ પણ જણાવ્યું કે, આ કેમ્પમાં સૌથી વધુ યોગદાન જો કોઈનું હોય તો કેમ્પના સ્વયંસેવકો તેમજ દાતાશ્રીઓ જેમના થકી આજે અમે આ આયોજનના એક ભાગ બની શક્યા. આયોજકો દ્વારા કેમ્પ સફળ થવાનો તમામ શ્રેય દાતાઓ તેમજ સ્વયંસેવકોને આપવામાં આવ્યો.

અંતે જ્યારે પગપાળા શ્રદ્ધાળુઓને વાત કરીએ તો
માં જગદંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ પગપાળા આ કેમ્પ પાસે પહોંચે ત્યારે સૌ પ્રથમ કેમ્પ દ્વારા આપવામાં આવેલો પ્રસાદ લઈને કેમ્પમાં થોડો આરામ કરી આટલું ચાલીને આવવાથી શરીર થાક અનુભવતું હોય તેમ છતાં જ્યારે કેમ્પ માં જગદંબાના ગરબા ચાલુ થાય એટલે પગપાળા યાત્રુઓ ગરબાની તાલે પોતાનો થાક ભૂલીને ઝૂમી ઊઠે છે.

અન્ય સમાચારો પણ છે...