આદેશ:બોરીસણામાં સરકારી જમીન પરનાં દબાણો હટાવવા આદેશ

કલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક નેતાનાં માણસો દ્વારા દબાણ થયાનો આક્ષેપ

કલોલ તાલુકાનાં બોરીસણા ગામે આવેલી સરકારી ખરાબાની જમીનમાં કેટલાક શખ્સો દ્વારા દબાણ કરીને પાકી દુકાનો બનાવવાનું શરૂ કરી દેવામાં આવતા ગ્રામ પંચાયત હરકતમાં આવી હતી. અને આ મુદ્દે કલોલ તાલુકા મામલતદારથી માંડીને જિલ્લા કલેક્ટર સુધી વિધીવત ફરીયાદ થઇ હતી. જેના પગલે મામલતદારે ગ્રામ પંચાયતને આદેશ કરતા દબાણો દૂર કરવાની તૈયારી થઇ રહી છે.

બોરીસણાનાં સરપંચ ગણપતસિંહજી ગાભાજી ઠાકોરનાં જણાવ્યાનુંસાર બોરીસણા ગામમાં બ્લોક નં 62 (જુનો) તથા નવો સર્વે નં 1087ની તથા બ્લોક નં 24ની જમીન સરકાર હસ્તકની ખલવાડ હેઠળ આવે છે. જેના પર ગામનાં કેટલાક શખ્સો તથા જિલ્લા પંચાયતનાં સદસ્ય ઠાકોર દિનેશજી આતાજીનાં માણસો દ્વારા દબાણ કરવામાં આવેલ છે.

આ જગ્યાઓ પર ગેરકાયદે દુકાનોનું બાંધકામ ચાલતુ હતુ. જે મુદ્દે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિય-2020(એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ) હેઠળ જિલ્લા કલેકટર તથા તાલુકા કક્ષાએ પંચાયત દ્વારા ફરીયાદ કરીને કાર્યવાહી માટે મંજુરી માંગવામાં આવી હતી.

ગત ઓગષ્ટમાં કલેકટરમાં રજુઆત બાદ ગત તા 14મી સપ્ટેમ્બરનાં રોજ કલોલ મામલતદાર કચેરી દ્વારા બોરીસણા ગ્રામ પંચાયતનાં તલાટી મંત્રીને પત્ર લઇને આ જમીન પર થયેલા ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

મામલતદાર કચેરીનાં આદેશનાં પગલે ગ્રામ પંચાયત હરકતમાં આવતા આ જગ્યા પર થઇ રહેલા બાંધકામને હાલ અટકાવી દેવામાં આવ્યા છે અને પંચાયતનાં જણાવ્યાનુંસાર આગામી દિવસોમાં દબાણો તોડીને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...