કોન્ટ્રાક્ટરની દાદાગીરી:નાંદોલીની સીમમાં એક કોન્ટ્રાક્ટરે બીજાને ધમકી આપી; આ જગ્યાનું કામ મેં લીધું કહી ગાળો બોલી ધાક-ધમકી આપતાં પોલીસ ફરિયાદ

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સૂર્યાશ સોલિડરી ફ્લેટના રહેતા પ્રદીપ કુમાર અનિલભાઈ શર્મા જે બાજ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બાજ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કંપનીમાં પ્રદીપભાઈ શર્મા સાથે એન્જિનિયર તરીકે કામ કરતા રોહિતકુમાર અજયભાઈ ગોર અને બીજા 40 મજૂરો છેલ્લા પાંચ મહિનાથી નાંદોલી ગામની સીમમાં નોબલ ગ્રીન બંગલોઝની નજીકમાં આવેલા બોગન વિલા નામના પ્લોટમાં એક બંગલાનું કન્સ્ટ્રક્શન કામ કરતા હતા. તારીખ 26 ઓગસ્ટના રોજ પ્રદીપ કુમાર શર્મા અને રોહિતકુમાર ગોર બંને જણા બોગન વિલાની સાઈટ ઉપર કામ કરતા હતા. તે વખતે સવારના 11:00 વાગ્યાની આસપાસ એક અજાણ્યો માણસ આવીને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો.

આ બંગલોનો કોન્ટ્રાક્ટ મે લીધો છે કહી ધમકી આપી
તેણે કહ્યું હતું કે મારું નામ કૃતેશ ઠક્કર છે અને હું કોન્ટ્રાક્ટર છું અને મેં આ બંગલો બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધેલો છે. જેથી તમે આ કામ બંધ કરી દેજો. 1 સપ્ટેમ્બર સુધી અહીંયાથી તારો સામાન લઈને નીકળી જજે. નહીં તો હું જે‌.સી.બી લઈને તારો સામાન ફેંકી દઈશ અને તમને લોકોને માર મારીને અહીંથી કાઢી મુકીશ એવી ધમકી આપીને નીકળી ગયો હતો.

એન્જિનિયરને લાફો મારી ધાક ધમકીઓ આપી
​​​​​​​ત્યારબાદ પણ પ્રદીપ કુમાર શર્માએ બંગલાનું કામ ચાલુ રાખ્યું હતું. જેથી ગઈ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ રવિવારે પ્રદીપ કુમાર શર્મા ઘરે હતા. તે સમય દરમિયાન એન્જિનિયર રોહિત કુમાર ગોરનો કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે કૃતેશ ઠક્કર તેની સાથે બીજા ત્રણ માણસો લઈને બોગન વિલાની સાઈટ ઉપર આવ્યો છે, અને ચારે જણા આપણા મજૂરોને જેમ ફાવે તેમ ગાળો બોલે છે અને કૃતેશ ઠક્કર મને કહે છે કે તારા મેનેજરને એક તારીખ સુધીનો સમય આપ્યો હતો જગ્યા ખાલી કરવાનો અને કોન્ટ્રાક્ટ બંધ કરી દેવાનો, તેમજ અહીંયાથી જતા રહેવાનું કહ્યું હતું તેમ છતાં પણ ખાલી કેમ ના કર્યું? એમ કહીને એન્જિનિયર રોહિતકુમારને લાફો મારી દીધો હતો.

કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
​​​​​​​કૃતેશ ઠક્કરે કહ્યું હતું કે આ બંગલો બનાવવાનું કામ બંધ કરી દેજે અને જગ્યા ખાલી કરી અહીંયાથી નીકળી જજે. જો નહીં નીકળે તો તારા મેનેજર પ્રદીપને અહીંયાથી ઉઠાવી જઈશ અને ક્યાંક મારીને ફેંકી દઈશ એવી ધમકી આપી હતી. જેથી મેનેજર પ્રદીપ તાબડતોડ બોગન વિલાની સાઇટ ઉપર પહોંચી ગયો હતો. પણ ત્યાં સુધી ચારે જણા ત્યાંથી ભાગી ગયા હતા. જેથી પ્રદીપકુમાર શર્માએ કલોલ તાલુકા મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...