હૂકમ:પલસાણા ગામે કાકાની હત્યા કરનારા 3 ભત્રીજાને આજીવન કેદની સજા

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 પુત્રો અને પિતા સહિત ચાર આરોપી હતા, તેમાંથી એક આરોપી હયાત નથી

કલોલ તાલુકાના પલસાણા ગામમાં રહેતા કુટુંબી ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન ચાર શખ્સોએ બે મહિલા અને બે પુરૂષ સહિત પરિવારના ચાર સભ્યો ઉપર ધારિયુ અને લાકડી સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. તેમાં ફરિયાદીના પિતાનું ગંભીર ઇજા થવાથી મોત થયુ હતુ. હત્યાના આ બનાવનો કેસ કલોલની સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સગા કાકાની હત્યારમાં સંડોવાયેલા ત્રણ સગા ભાઇ (ભત્રીજા)ને પુરાવાઓના આધારે ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હૂકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે પલસાણા ગામે રહેતા ફરિયાદી કિર્તીજી અરજણજી ઠાકોર અને તેમના પત્ની કૈલાશબેન, તેમના પિતા અરજણજી અને માતા શકરીબેન તેમના ખેતરમાં હતા. તે દરમિયાન કુટુંબી આરોપી બળદેવજી મંગાજી ઠાકોર ખેતરમાં આવી ચઢ્યા હતાં અને એકાએક ઝઘડો કર્યો હતો. ત્યારે તેમની સાથે તેમના પુત્રો સુમનજી બળદેવજી, ભુરાજી બળદેવજી અને મંજેશજી બળદેવજી પણ લાકડીઓ લઇ ધસી આવ્યા હતાં. ત્યારે બળદેવજીએ શકરીબેનને હાથ ઉપર ધારિયાનો ઘા કર્યો હતો. તેમજ સુમનજીએ અરજણજીને માથામાં લાકડીઓ ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને કિર્તીજીને પણ લાકડી મારી હતી. આ ઉપરાંત મંજેશજીએ કૈલાશબેનને ખભા ઉપર લાકડી માર્યા બાદ પિતા અને ત્રણ પુત્રો સહિત ચારેય આરોપીઓએ લાકડીના ફટકા સાથે તમામને ગડદાપાટુનો માર માર્યો હતો.

ચોંકાવનારા આ હુમલામાં ગંભીર રીતે ઇજા પામેલા ફરિયાદી કિર્તીજીના પિતા અરજણજી મંગાજીનું મોત થયુ હતું. આ અંગે ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે ચારેય આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન હુમલો કરનાર એક આરોપી બળદેવજી મંગાજીનું પણ અવસાન થયુ હતું.

દરમિયાન આ બનાવનો કેસ કલોલની સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો. તે દરમિયાન ફરિયાદી, સાહેદો અને સાક્ષીઓની જુબાની તેમજ સરકારી વકીલ આર.એલ પટેલે રજૂ કરેલા પુરાવાના આધારે કલોલ કોર્ટે ત્રણેય આરોપી એવા સગાભાઇ (મૃતકના ભત્રીજા)ને આજીવન કેદની સજા ફરમાવતો હૂકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે એડવોકેટ ભાનુભાઇ જે. પટેલ હાજર રહ્યાં હતાં. કુટુંબિક ઝઘડામાં હત્યાનો બનાવ બન્યો હતો. નાની બાબતમાં થયેલી તકરારમાં એકની હત્યા કરવામાં આવી હતી. જે અંગેનો કેસ કલોલની કોર્ટમાં ચાલી જતાં 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ હતી. કુલ 4 આરોપીઓમાંથી એક આરોપી હયાત ન હોવાથી કોર્ટે 3 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...