રજૂઆત:કલોલમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેપારનો કાયદો માત્ર કાગળ ઉપર

કલોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલના નાગરિકે પગલાં લેવા મામલતદારને લેખિત રજૂઆત કરી
  • ગેરકાયદે વેચાણ કરતા કેટલાક વેપારીઓ પર કાર્યવાહી કરવા માગણી

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને પ્લાસ્ટિકનાં પતંગ માનવ સહિત પક્ષીઓ માટે ઘાતક પુરવાર થયાં છે. જેથી તેની ઉપર પ્રતિબંધ હોવા છતાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે વેપલો થતો હોવાનું સામે આવ્યુ છે. ખાસ કરીને કલોલ પંથકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેપારનો કાયદો માત્ર કાગળ ઉપર હોય તેમ કેટલાક વેપારીઓ તેનું વેચાણ કરી રહ્યાં છે. જેથી આ પ્રકારે ગેરકાયદે દોરીનું વેચારણ કરતા વેપારીઓ પર કાર્યવાહી કરવા કલોલના નાગરિક નિલેશ આચાર્યએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે.

ગાંધીનગર શહેર સહિત અમદાવાદથી અનેક પતંગ રસીયાઓ દ્વારા પ્રતિબંધિત દોરીની ખરીદી મોટા પ્રમાણમમાં થઇ રહી છે અને અનેક લોકો આવી દોરીનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે આવુ જાહેરનામુ માત્ર કાગળ ઉપર હોય તેવી પ્રતીતિ થઇ રહી છે. અગાઉના વર્ષોમાં પણ જાહેરનામાને અમલી બનાવાયુ હતું, પરંતુ તેનો અમલ કેટલા અંશે થયો હતો તેની ઉપર પ્રશ્નાર્થે મુકાયેલુ છે.

આ અંગેની વિગતો એવી છે કે ચાઇનિઝ દોરીથી પતંગ ચગાવવાના કારણે અનેક ટૂવ્હીલરની જીંદગી જોખમમાં મુકાઇ હોવાના તેમજ અનેક લોકોએ જાન ગુમાવ્યો હોવાના બનાવો પ્રતિ વર્ષ બનતા રહે છે. ટૂવ્હીલર પર પસાર થઇ રહેલા વાહનચાલકના ગળામાં કપાયેલા પતંગની દોરી ફસાઇ જવાથી ગળુ કપાઇ જવાના અનેક બનાવો બન્યા છે. જેથી આવી પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા કલોલ શહેર અને તાલુકા પંથકના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં રહેતા નિલેશ આચાર્યએ કલોલ મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત કરી માગણી કરી છે.

સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ), ચાઇનીઝ માઝા/ પ્લાસ્ટિક દોરી, નાયલોન અને અન્ય સિન્થેટીક માંઝા તેમજ સિન્થેટીક પદાર્થની કોટીંગ કરેલી હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી- ચાઇનીઝ માંઝાના ઉત્પાદન, વેચાણ તેમજ વપરાશ કરવા પ્રતિબંધ છે. ચાઇનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ છે. જેથી કાયદાનો અમલ કડકપણે કરવા માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...