પીડિતા પોલીસના શરણે:કલોલની દીકરીને લગ્નના બે મહિનામાં જ પતિ-સાસરીયાંએ અસહ્ય ત્રાસ આપ્યો; કલોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ

કલોલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલમાં ઉસ્તાદપુરા જુમ્મા મસ્જિદની પાછળ રહેતી પરિણીતા દ્વારા મહેસાણા, નાગલપુર ખાતે રહેતા તેમના પતિ અફઝલશા અરબસા ફકીર તેમજ સાસુ તેમજ નણંદ તેમજ સસરા ઉપર ઘરે આવીને જેમ ફાવે તેમ ગાળો બોલી તેમ જ મારી નાખવાની ધમકી તેમજ હુમલો કર્યાની ફરિયાદ કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

સાસરીયાં પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતાં
કલોલ ઉસ્તાદપુરા જુમ્મા મસ્જિદની પાછળ રહેતી પરિણીતાના લગ્ન મહેસાણાના નાગલપુર ખાતે રહેતા અફઝલ શાહ ફકીર જોડે કરવામાં આવ્યા હતા. જેથી પરિણીતા લગ્ન પછી રીતી રિવાજ મુજબ પતિના ઘરે રહેતી હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્ન કર્યા પછી ત્રણ દિવસ સુધી સાસરીવાળાએ સારી રીતે રાખી અને ત્રણ દિવસ બાદ ઘરના 4 જણા ઘરકામ બાબતે અવારનવાર ટોકવા લાગ્યા અને કહેતા હતા કે તારે કોઈના ઘરે બેસવા જવાનું નહીં. એમ કહીને પરિણીતા જોડે ઝઘડો કરતા હતા અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતની ફરિયાદ પરિણીતાના પતિ અફઝલશાને કરતાં તે પણ પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરીને અંદર સૂઈ જતો હતો‌. જેની ફરિયાદ સાસુ સસરાને કરતા સાસુ-સસરા પણ એવું કહેતા કે મારો દીકરો તને જે કહે તેમ જ કાર્ય કરવાનું. અને ઘણીવાર તો જીવજંતુ મારવાનો ચોક લાવીને પરિણીતાને આપતા અને કહેતા કે લે આ ખાઈને મરી જા. ઉપરાંત પતિ સાસુ તેમજ સસરા અને નણંદના ચઢાવવાથી પરિણીતાને રોજ મારતો હતો. જેથી પરિણીતાએ કંટાળીને પોતાની માતાને ફોન કરીને વાત જણાવતાં માતાએ મોટી દીકરીને પિયર તેડી લાવવા મોકલી હતી.

4 જણા સામે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
ત્યારે પરિણીતાની સાસુએ આપેલા દાગીના તેમજ પરિણીતાની મમ્મીએ આપેલા દાગીના પોતાની પાસે રાખી લીધા હતા અને એ દિવસે પરિણીતા પિયર કલોલ આવી ગઈ હતી. ત્યારથી તે પિયર ખાતે જ રહે છે. જો કે પરિણીતાના મામા કે જેઓ કડી રહે છે, તેમણે પરિણીતાના સાસરીવાળાંને સમાધાન માટે કલોલ ખાતે બોલાવ્યાં હતાં. જેમાં પરિણીતાના સાસરી પક્ષમાંથી સાસુ, સસરા, પતિ તેમજ નણંદ કલોલ ખાતે સમાધાન કરવા આવ્યા હતા. તે સમય દરમિયાન વાતવાતમાંથી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. તેમાં એકબીજાને ધક્કાધક્કી ચાલુ થતાં પરિણીતાના પતિ તેમજ સાસુ-સસરા તેમજ નણંદે હુમલો કર્યો હતો. જેને પગલે પરિણીતાએ સાસુ, સસરા, પતિ તેમજ નણંદ ઉપર કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...