નિર્ણય:કલોલમાં પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ બનશે

કલોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલ નગરપાલિકાની કારોબારી બેઠકમાં લેવાયેલો નિર્ણય
  • ગત વર્ષે માત્ર 1 જ ટેન્ડર મળતાં ફરી ટેન્ડર પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા કરાઈ હતી

કલોલના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ઓવરબ્રિજના કામને કલોલ પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુરૂવારે મળેલી પાલિકાની કારોબારી સમિતિમાં નિર્ણય લેવાયો હતો. L1 એજન્સીના ટેન્ડરમાં દર્શાવેલા ભાવ અંગે ચર્ચા હાથ ધરી ભાવ મંજૂર કરાયા બાદ સરકારમાંથી વધારાની ગ્રાન્ટની રકમની સુધારેલી સૈદ્ધાંતિક મંજૂરી મેળવી L1 એજન્સીને ટુંક સમયમાં વર્કઓર્ડર આપવા ભાજપ શાસિત પાલિકાના સત્તાધિશોએ કટિબધ્ધતા વ્યક્ત કરી છે.

ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિર્દેશથી ભાજપ શાસિત કલોલ પાલિકા દ્વારા શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ બનાવવા ચક્રો ગતિમાન કરાયા હતાં. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો હતો. વર્ક ઓર્ડર આપવા પાલિકા દ્વારા ગત 19-1-2021ના રોજ ઓનલાઈન ટેન્ડર મગાવાયા હતાં. તે દરમિયાન માત્ર એક ટેન્ડર મળ્યુ હતું. જેથી નિયમ મુજબ ફરીથી ટેન્ડર પ્રસિધ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

શહેરના બી.વી.એમ ફાટક પાસે લેવલ કોસિંગ નં.૨૩૨/B રેલવે કી.મી.759-6-7 પાલનપુર અમદાવાદ વચ્ચે જંકશન પર ઓવરબ્રિજ બનાવવા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના નિર્દેશથી પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. આ કામ માટે પાલિકા દ્વારા બીજા પ્રયત્ન માટે ઓનલાઈન જાહેર નિવિદા અપાઈ હતી. જેમાં 4 એજન્સીએ ભાવ ભર્યા હતાં. જેમાં L1 એજન્સીના ભાવ 14.31 ટકા ઊંચા હોઈ એજન્સી પાસે કારોબારી સમિતિમાં થયેલા નિર્ણય મુજબ રેટ-એનાલિસિસ એજન્સી પાસે મંગાવાયા હતાં. જેની ચકાસણી માટે રોકાયેલા કન્સલ્ટન્ટ પાસે કાર્યવાહી કરાવાઇ હતી.

પરંતુ એજન્સીના ભાવો 10 ટકા કરતા ઊંચા હોઈ સરકારના પરિપત્ર મુજબ ભાવના વ્યાજબ પણા માટે પાલિકા દ્વારા તા.1-21-21ના રોજ પ્રાદેશિક કમિશ્નરને વિગતવાર દરખાસ્ત મોકલાઈ હતી. જે અન્વયે તા30-12-21ના રોજ L1 એજન્સીના 14.31ટકા ઊંચા ભાવોનું વ્યાજબીપણું ચકાસી મંજુર કરવાનો અભિપ્રાય કાર્યપાલક ઈજનેર, પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન દ્વારા અપાતા કલોલ પાલિકા દ્વારા કારોબારી સમિતિમાં ભાવો મંજુર કરવાની દરખાસ્ત મુકાઈ છે.

અન્ય સમાચારો પણ છે...