કલોલ શહેરમાં ભર શિયાળે પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. શહેરની આયોજન નગર સોસાયટીમાં છેલ્લા કેટલા દિવસથી પાણીનો પુરવઠો નહીં મળતા રોષે ભરાયેલા રહીશોના ટોળા પાલિકાની કચેરી ઉપર ઘસી ગયા હતા. અને ભારે હલ્લાબોલ કર્યો હતો. તેના પગલે પાલિકા કચેરીમાં ભીડના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં આવેલી આયોજન નગર સોસાયટીમાં કેટલાય દિવસથી પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ થતો ન હતો જેથી કંટાળેલા રહીશો દ્વારા પાલિકા કચેરીમાં વારંવાર ફરિયાદો કરી હતી. તેમ છતાં બહેરા કાને થયેલી ફરિયાદો પાછી પડી હતી અને પીવાના પાણીનો પ્રશ્ન કોઈ કાળે ઉકેલાયો ન હતો.
આ સંજોગોમાં સોસાયટીની મહિલાઓમાં ભારે આક્રોશ ભભુકી ઉઠ્યો હતો. અને પાલિકા કચેરીમાં હલ્લાબોલ મચાવી મૂકવા બધા મક્કમ બન્યા હતા.દરમિયાન વધુ એક વખત છેલ્લી વાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પાલિકાના સત્તાધીશો અને વહીવટથી પાંખે કોકળ તસદી લીધી ન હતી. આખરે ત્રાસી ગયેલા સોસાયટીના રહીશો અને મહિલાઓના ટોળા એકત્ર થઈ કલોલ નગરપાલિકાની કચેરીમાં ઘસી ગયા હતા. જ્યાં ભારે હલ્લાબોલ મચાવ્યો હતો. અંતે પાલિકાના ઉપપ્રમુખ મુકુન્દ પરીખે પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. લાંબા સમયથી ચાલ્યા આવતા પાણીના પ્રશ્ને રહીશો રોષે ભરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.