કલોલમાં સોમવારે સાંજે લક્ઝરી બસની અડફેટે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. લક્ઝરી ચાલકે કાબૂ ગુમાવતા બસ એક્ટિવાને અડફેટે લઈને પાસે રહેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કલોલ નગરપાલિકાના કર્મચારીનું મોત થયું હતું. તેઓના આકસ્મીક મોતને પગલે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અકસ્માતમાં લક્ઝરી બસમાં બેઠેલા એક આધેડને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લક્ઝરીનો ચાલક ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
કલોલની રાજદીપ સોસાયટી ખાતે રહેતાં દિનેશકુમાર મણીલાલ પરમાર (40 વર્ષ) 15 વર્ષથી કલોલ પાલિકાની બાંધકામ શાખામાં નોકરી કરતાં હતા. તેઓ ઘરેથી એક્ટિવા લઈને નીકળ્યા હતા અને તેરસાના પરા બાજુ જતા હતા. ત્યારે કલોલ-માણસા ઓવરબ્રીજ પાસે સોમવારે સાંજે છ વાગ્યાના સુમારે તેઓને અકસ્માત નડ્યો હતો. જેમાં લક્ઝરી ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા તેએ પહેલાં એક્ટિવાને અટફેટે લઈને પાસે રહેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી.
અકસ્મતામાં લક્ઝરી બસના ટાયર ફરીવળતાં દિનેશભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ જતા લક્ઝરીનો ચાલક ઉતરીને ભાગી ગયો હતો. બીજી તરફ લક્ઝરીમાં બેઠેલા ભીમાસણના મંગાજી ભવાનજી ઠાકોર (52 વર્ષ)ને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતને પગલે કલોલ પોલીસે GJ-18-AV-7255ના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.
મૃતક દિનેશભાઈને પરિવાર પત્ની અને 10 વર્ષ, 5 વર્ષની બે દીકરીઓ અને 3 વર્ષનો એક દિકરો છે. ત્યારે તેઓના મોતને પગલે ત્રણ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. અકસ્માતની જાણ થતા પાલિકાના કર્મચારીઓ અને કાઉન્સિલર હોસ્પિટલ દોડી આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.