અંતે નકલી પીઆઇ પકડાયો:કલોલમાં વેપારીને નકલી ઓળખાણ આપી સરકારી નોકરી અપાવવા બાબતે રૂ. 11.30 લાખની છેતરપિંડી આચરનારો શખ્સ ઝડપાયો

કલોલ2 મહિનો પહેલા
  • શખ્સે પોતાની કોન્સ્ટેબલ પત્ની સાથે મળીને વેપારી સાથે છેતરપિંડી આચરી હતી
  • શખ્સે એક સંબંધી સાથે પણ રૂ. 9 લાખની ઠગાઈ કરેલી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું

કલોલ શહેરના વેપારી જોડેથી સરકારી નોકરી અપાવવા બાબતે રૂપિયા 11.30 લાખની છેતરપિંડી આચરનાર તેમજ પોતાની ઓળખ સરકારી અધિકારી પીઆઇ તરીકે આપીને રોકડા તેમજ ચેક દ્વારા તથા એપ્લિકેશન તથા મેરીટ લીસ્ટ ,વેટિંગ લિસ્ટ ,ખોટા સર્ટિફિકેટ ,વેરિફિકેશન લેટર, જેવા સરકારી દસ્તાવેજ ખોટી રીતે બતાવી ઠગાઈ કરવાના ઇરાદાથી છેતરપિંડી આચરનારા આરોપી ધવલ નંદાભાઈ ખાવડુંને જુનાગઢથી કલોલ શહેર પોલીસે દબોચ્યો હતો. નોંધનીય છે કે આરોપીએ વડોદરા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી તેની પત્ની સાથે મળીને આ ઠગાઈ આચરી હતી. જેમાં તેની પત્નીની ધરપકડ કરી લેવામાં આવી હતી, જ્યારે આરોપી ધવલ ફરાર હતો.

આરોપીની પત્ની તથા અન્ય એકની પણ ધરપકડ
કલોલ શહેરના વેપારી જોડેથી સરકારી નોકરી અપાવવા બાબત વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા સ્નેહલબેન ઈશ્વરભાઈ પરમારે તેમના પતિ ધવલ નંદાભાઈ ખાવડુની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાણ આપીને 11.30 લાખની ઠગાઈ કરવાના ઇરાદાથી છેતરપિંડી કરી હતી. જેથી કલોલ પોલીસ સ્ટેશનને ગણતરીના કલાકોમાં જ વડોદરા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા સ્નેહલબેન ઈશ્વરભાઈ પરમારની તથા ઈશ્વર ગંગારામ પરમારની ધરપકડ કરીને પોલીસના પાંજરે પૂરી દીધા હતા. ત્યારે સ્નેહલબેન ઈશ્વરભાઈ પરમારના પતિ ધવલ નંદાભાઈ ખાવડુએ ભાગવામાં સફળતા મેળવી લીધી હતી. જેને પોલીસે શોધખોળ માટે ટીમો લગાવી હતી.

પોલીસે ઓપરેશન કેવી રીતે કર્યું?
કલોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઉન્નતીબેન પટેલે અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન તથા ટેકનિકલ સર્વે લેન્સના આધારે આરોપી ધવલ નંદાભાઈ ખાવડુને ઝડપી પાડવા જુનાગઢ ખાતે ટીમો મોકલી હતી. જેમાં ગાંધીનગર એલસીબીના સંપર્કમાં રહીને આરોપીના લોકેશનની જાણકારી મેળવી લોકેશન પ્રમાણે આરોપી ધવલ નંદાભાઈ ખાવડુ પોતાના ઘરે જ હોવાનું જણાવ્યું હતું. તો પોલીસે ઘરે જઈને ઘર ખખડાવ્યું તો ઘર અંદરથી લોક હતું. તો બે કલાક સુધી પોલીસે રાહ જોઈ પણ અંદરથી કોઈએ ખોલ્યું નહિ. તેના પછી આરોપીના કોઈ સંબંધીએ આવીને આરોપીને સમજાવ્યા તેમ છતાં આરોપીએ ઘર ખોલ્યું નહીં આખરે પોલીસે ઘરનો દરવાજો તોડી અંદરથી આરોપી ધવલ નંદાભાઈ ખાવડુને ઝડપી પાડ્યો હતો.

આરોપી પીઆઇ તરીકેનો ખોટો રોફ જમાવતો હતો
ઉલ્લેખનીય છે કે આરોપી પોતાની સોસાયટીમાં પણ ઘણો ત્રાસ ગુજારતો હતો. પોતાના ઘરનું લાઈટ કનેક્શન પણ સોસાયટીના કોમન મીટરમાંથી લીધું હતું. તો સોસાયટી દ્વારા હોબાળો કરતાં આરોપીએ હું કાઈ જાણતો નથી એમ જણાવ્યું હતું. વધુમાં ઉલ્લેખનીય છે કે આરોપીએ સૌરાષ્ટ્ર ખાતે ઘણા બધા આવા ગુનાઓ આચરેલા છે. પોરબંદરના એક સંબંધીની રૂ. 9 લાખની પણ ઠગાઈ કરેલી છે. જુનાગઢ જિલ્લામાં આરોપી પીઆઇ તરીકેનો ખોટો રોફ જમાવતો હતો.

આરોપી પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર હતો
આરોપી ધવલ નંદાભાઇ ખાવડુ પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર હતો. જેથી પીજીવીસીએલના સાહેબો જોડે એની ઓળખાણો હતી. જેને કલોલ પોલીસમાં પીએસઆઇ એન બી ચૌધરીની ટીમ દ્વારા જુનાગઢ ખાતેથી ગણતરીના જ દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલો મુદ્દામાલ
1) વાયરલેસ વોકીટોકી
2) બંદૂક ભરાવાનું લેધરનું કવર
3) મોબાઈલ ફોન oneplus
4) નોકરી અપાવવા લીધેલ ડોક્યુમેન્ટ
5) જે બેંકથી ટ્રાન્જેક્શન કરતો હતો, એ બેંકની ચેકબુક

અન્ય સમાચારો પણ છે...