ચાઈનીઝ દોરીના કારણે થતા નુકસાન તેમજ હાનિને જોતા સરકાર દ્વારા કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. બીજી બાજુ હાઇકોર્ટ દ્વારા પણ કડક પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા છે. ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધનું જાહેરનામું જાહેર કર્યું છે. છતાય થોડક રૂપિયાના કારણે વેપારીઓ ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યાં છે. ત્યારે આવા વેપારીઓને પકડવા માટે ગાંધીનગર પોલીસે લાલ આંખ કરી છે. કલોલ પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
રૂપિયા 41,900નો મુદ્દામાલ જપ્ત કરાયો
મળતી માહિતી મુજબ કલોલના મિતેશ ભગવાનદાસ રામનાણી પોતાની મકાનની અંદર ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હતા. બાતમીના આધારે ગાંધીનગર એલ.સી.બી 1 ના ઈન્સ્પેક્ટર દિવાનસિંહ તેમજ તેમની ટીમ બાતમીવાળી જગ્યાએ ત્રાટકી હતી. પોલીસે મકાનમાંથી ચાઈનીઝ દોરીના કુલ 190 નંગ જેની અંદાજિત કિંમત 41,900ના મુદ્દામાલ સાથે મિતેશને ઝડપી પાડ્યો હતો.
મેમણ માર્કેટમાંથી અન્ય એકની ધરપકડ
ત્યારે બીજી બાજુ કલોલ શહેર પોલીસે પણ અંગત સૂત્રોના બાતમીના આધારે કલોલ મેમણ માર્કેટ પાસે કરિયાણાની દુકાનની બાજુમાં સ્ટેશન રોડ ઉપર જ ગણેશ કાળાભાઈ પ્રજાપતિને ચાઈનીઝ દોરી વેચતા ઝડપી પાડ્યો હતો. વેપારી સાથે પોલીસે કુલ 18 નંગ ચાઈનીઝ દોરી સાથે તેની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.