કલોલ વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂ પકડવાનાં કેસો વારંવાર સામે આવતા રહે છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીનાં આધારે બુટલેગરનાં ઘરે દરોડો પાડીને તેમને સાથે રાખીને તેમનાં સાગરીતનાં ઘરેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં દારૂ આપનાર, મંગાવનાર તથા છુપાવનાર 4 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ 1નાં એએસઆઇ ધર્મેન્દ્રસિંહ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી.
ત્યારે અગાઉ દારૂનાં ગુનામાં પકડાયેલો અને કલોલ ઘાંચીવાડામાં રહેતો શખ્સ મઝર અહમદભાઇ મલેક તથા તેનો સાગરીત અભિ ઉર્ફે અભિષેક રાજુભાઇ જયસ્વાલ (રહે. કલોલ સ્ટેશન રોડ, મહેસાણા બેન્કની પાસે) ઘરે દારૂ રાખીને વેચતા હોવાની બાતમી પો.કો. જીગ્નેશકુમાર તથા વિક્રમભાઇને મળી હતી. જેના આધારે મઝરનાં ઘરે તપાસ કરતા કશું ન મળતા તેમને સાથે રાખીને તેમનાં સાગરીત અભિનાં ઘરે તપાસ કરતા વિમલનાં થેલામાંથી 37 નંગ દારૂની બોટલો તથા બિયર ટીન મળી આવ્યા હતા. જ્યારે આરોપી મળ્યો નહોતો.
જ્યારે અભિનાં પિતા રાજુભાઇ ચિમનલાલ જયસ્વાલને આરોપી ગણ્યા હતા. દારૂ ક્યાંથી લાવ્યા અંગે મઝરને પૂછતા ત્રણેક દિવસ પહેલા છત્રાલ ખાતે રહેતા સુરેશ મારવાડી પાસેથી મંગાવેલ હોવાનું તથા સાગરીતે અભિએ ઘરે દારૂ રાખ્યો હોવાની કેફીયત આપી હતી. પોલીસે દારૂ તથા આરોપીની અંગ ઝડતીમાંથી મોબાઇલ સહિતનો કુલ રૂ.14,485નો મુદ્દામાલ કબજે કરીને મઝર, અભિ, રાજુ તથા સુરેશ મારવાડી સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.