"અત્યારે દારૂનો ધંધો બંધ છે, રાતે 8 પછી આવજો":ચકચારી લઠ્ઠાકાંડ બાદ પણ કલોલમાં દારૂનો ધીકતો વેપાર, બૂટલેગરો કહે છે, "હમણાં બહુ કડક ચાલે છે, સાચવીને લઈ જજો"

કલોલ12 દિવસ પહેલાલેખક: હાર્દિક પ્રજાપતિ
  • કલોલમાં દેશી દારૂના ધીકતા વેપારનું DB ડિજિટલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું
  • વેપાર કરવા રાતના 8 વાગ્યા પછી કોઈ 'વિશેષ' પરમિશન મળી હોય એવી ચર્ચાઓ

બરવાળામાં થયેલા ચકચારી લઠ્ઠાકાંડ બાદ પણ કલોલ તાલુકામાં હજીય દેશી દારૂનો ધમધોકાર વેપાર ચાલુ જ છે, જેનું દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે પણ દારૂ લેવા જઈએ તો બૂટલેગરો કહે છે, રાતે 8 વાગ્યા પછી આવો, પછી જ અમે તમને દારૂ આપીશું. દિવસ દરમિયાન લેવા જતાં 'દારૂના બૂટલેગરો અત્યારે ધંધો બંધ છે' એમ જણાવી રહ્યા છે, જેના આધારે બૂટલેગરોને લઠ્ઠાકાંડને પગલે દારૂનો વેપાર કરવા માટે રાતના 8 વાગ્યા પછીની કોઈ 'વિશેષ' પરમિશન મળી હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે.

બૂટલેગરો પોલીસના નાક નીચે પણ ધંધો યથાવત્ ચાલુ રાખવામાં સફળ.
બૂટલેગરો પોલીસના નાક નીચે પણ ધંધો યથાવત્ ચાલુ રાખવામાં સફળ.

દેશી દારૂની 200 રેડમાં 70 બૂટલેગર ઝડપાયા
બરવાળામાં લઠ્ઠાકાંડ સામે આવતાં જ ગાંધીનગર જિલ્લા પોલીસે દેશી દારૂની હાટડીઓ પર તવાઈ બોલાવી હતી. છેલ્લા પાંચેક દિવસમાં પોલીસે અલગ અલગ જગ્યાએ 230 રેડ કરીને 2200 લિટર દેશી દારૂનો વોશ ઝડપી પાડી 90 બૂટલેગર સામે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે, જે પૈકી ગાંધીનગર ડિવિઝનમાં સૌથી વધુ દેશી દારૂની 200 રેડ કરીને 70 બૂટલેગરને ઝડપી પાડવામાં આવ્યા છે.

એક પોટલી દારૂના 20 કે 30 રૂપિયા લેવામાં આવે છે.
એક પોટલી દારૂના 20 કે 30 રૂપિયા લેવામાં આવે છે.

કલોલ સિટી અને પીયજ-બોરીસણા ગામે સ્ટિંગ ઓપરેશન
દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા કલોલ સિટી વિસ્તારમાં અંબાજી માતાના મંદિર પાસે તેમજ તાલુકાના પીયજ અને બોરીસણા ગામે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતાં ત્યાં આગળ દેશી દારૂનો ધીકતો વેપાર ચાલુ હોવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. દેશી દારૂના બૂટલેગરો જોડે દારૂની પોટલી લેવા જઈએ તો તેમનું કહેવું છે કે અત્યારે બહુ કડક ચાલી રહ્યું છે, સાચવીને લઈ જજો! વળી, કોઈ જગ્યાએ એક પોટલીના 20 રૂપિયા તો કોઈ જગ્યાએ 30 રૂપિયા બૂટલેગરો દ્વારા લેવામાં આવતાં હોવાનું નજરે પડ્યું હતું.

દિવસે ધંધો બંધ, રાતે 8 પછી ધમધોકાર ચાલુ.
દિવસે ધંધો બંધ, રાતે 8 પછી ધમધોકાર ચાલુ.

પોલીસના નાક નીચે પણ ધંધો યથાવત્
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકો અને કલોલ સિટીની અંદર હજુ પણ દેશી દારૂના બૂટલેગરો પોલીસના નાક નીચે પણ ધંધો યથાવત્ ચાલુ રાખવામાં સફળ બન્યા છે. કલોલ ડિવિઝનમાં સમાવિષ્ટ કલોલ શહેર, કલોલ તાલુકો, અડાલજ, માણસા અને સાંતેજ પોલીસ દ્વારા દેશી દારૂની 29 રેડ અને અંદાજિત 900 લિટરની આસપાસ જથ્થો ઝડપી પાંચ બૂટલેગરની ધરપકડ કરવામાં આવી છે તેમજ 12 બૂટલેગરો નાસી જવામાં સફળ રહ્યા છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની?
એક બાજુ, હોમ મિનિસ્ટરે પોલીસ અધિકારીઓ પર એક્શન લઈ નોંધનીય કાર્યવાહી કરી છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના જ કલોલ સિટી અને તાલુકામાં દેશી દારૂનો વેપાર હાલ પણ બેફામ ચાલી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે કલોલ સિટી અને તાલુકા પોલીસ શું એક્શન લે છે.

અન્ય સમાચારો પણ છે...