‘સશક્ત અને સુપોષિત કિશોરી’:મહિલા અને બાળ વિકાસ વિભાગે કલોલ ખાતે યોજ્યો કાર્યક્રમ; કિશોરીઓને વધુ સક્ષમ બનાવવા પર ભાર મુકાયો

કલોલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 'બેટી બચાવો બેટી પઢાવો' તથા 'પૂર્ણા યોજના' હેઠળ ગાંધીનગર જીલ્લામાં ‘સશક્ત અને સુપોષિત કિશોરી’ અભિયાનના બીજા દિવસે કલોલ ખાતે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન જુદા જુદા વિભાગના પ્રતિનિધિઓ દ્વાર કિશોરીઓને જીવન ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 460 કિશોરીઓએ હાજર રહી આ માર્ગદર્શન મેળવ્યું. કલોલ ખાતે યોજાયેલાં આ અભિયાન દરમિયાન મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કિશોરીઓને તેમના હક જેવા કે શિક્ષણ,સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય , દીકરા અને દીકરીના ભેદભાવ રહિત સમાજની સ્થાપના જેવી બાબતની પ્રતિજ્ઞા લઈ બોર્ડ ઉપર હસ્તાક્ષર કરી પ્રતિજ્ઞા અને સિગ્નેચર કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું હતું.

સેનેટરી પેડનું નિ:શુલ્ક વિતરણ
વિશેષમાં કિશોરીઓને આરોગ્ય વિભાગના સ્ટોલ પરથી કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક બદલાવો અને માસિક ધર્મ વિશેની માહિતી આપી સેનેટરી પેડનું નિ:શુલ્ક વિતરણ કરી તેના ઉયોગીતા સમજાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય , શિક્ષણ ,મહિલા બાળ કલ્યાણ જેવા વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલાં સ્ટોલ પરથી કિશોરીઓને વિવિધ ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ આશા વર્કર બહેનો દ્વારા આંગણવાડીમાં ચલાવાતા જાગૃતતા કાર્યક્રમોમાં યોજાયેલી સ્પર્ધાઓના વિજેતા કિશોરી બહેનોને પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ધારાસભભ્ય સહિતના લોકો હાજર રહ્યાં
આ કાર્યક્રમમાં કલોલ તાલુકાના ધારાસભ્ય લક્ષ્મણ પૂજાજી ઠાકોર તથા નગરપાલિકા પ્રમુખ ઉર્વશી પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ મુકુંદ પરીખ તથા કારોબારી સમિતિ ચેરમેન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી પટેલે કિશોરીઓને સંબોધતા જણાવ્યું કે જુદા જુદા વિભાગો દ્વારા એક મંચ પર સેવા આપવાનો સરકારનો પ્રયાસ એટલે આ કિશોરી મેળો. વધુમાં તેમણે ડિજિટલ ઈન્ડિયાના યુગમાં કિશોરીઓને વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. આંગણવાડી વર્કરોને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. કારોબારી સમિતિના ચેરમેન ભુપેન્દ્ર પટેલે આ અવસરે કિશોરીને સંબોધતા કહ્યું હતું કે રાજ્ય આવા કાર્યક્રમો દ્વારા જુદી જુદી યોજનાઓ તમારા સુધી પહોંચાડે છે. અહીંથી કિશોરીઓને જે માર્ગદર્શન મળે છે તે જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપી શકે છે. કિશોરીઓને આ કાર્યક્રમની માહિતી અન્યને પણ પહોંચાડી મદદરૂપ થવા આગ્રહ કર્યો હતો.

વિભાગના અધિકારીએ કાર્યક્રમનો હેતુ સમજાવ્યો
મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી જીગર જસાણી દ્વારા અંતે સમગ્ર કાર્યક્રમનો હેતુ સમજાવી કિશોરીઓને જીવનમાં ઉપયોગી માર્ગદર્શન સાથે અભયમ -181 હેલ્પલાઈન , સખીવનસ્ટોપ , વર્કિંગવુમન હોસ્ટેલ , સ્વધા ગૃહ યોજના જેવી સંસ્થાઓના કાર્યથી પરિચિત કરાવાઈ હતી. કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસ પારૂલ નાયક ,બી.આર.સી કલોલના કોર્ડિનેટર , જીલ્લા શ્રમ અને રોજગાર કચેરીના કાઉન્સેલર , તાલુકા હેલ્થ ઓફિસર , કલોલ, સી.ડી.પી.ઓ જશુમતિ સોલંકી , એફ.એલ.સી રમેશ પરમાર , પેનલ એડવોકેટ અલ્પેશ કુમાર ઓઝા, પોસ્ટ વિભાગમાંથી કરશન ચૌધરી હાજર રહી કિશોરીઓ માટે માર્ગદર્શક બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...