કલોલમાં છેલ્લા 15 દિવસથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહ્યો છે. જેમાં નગરપાલિકા દ્વારા મોટા મોટા શોપિંગો સ્ન્ટરો તેમજ ગેરકાયદેસર ઉભા કરેલા ઠેર-ઠેર દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. આજે દબાણ હટાવતા હટાવતા કલોલના સત્યમ સિનેમા પાસે આવેલા પ્રકાશ પ્લાઝામાં અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
જેમાં વ્યાપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, અઠવાડિયા પહેલા નગરપાલિકાના ચીફ ઓફિસર આવીને એવું કહીને ગયા હતા કે આ બધી દુકાનો દબાણમાં આવતી નથી. જેથી આ દુકાનો અમે હટાવીશું નહીં. ત્યારે આજે અચાનક જ નગરપાલિકાનો કાફલો દુકાનો હટાવવા માટે ખડકી દેવામાં આવ્યો હતો. તે સમયે વેપારીઓ દ્વારા કાગળો પણ રજૂ કરવામાં આવ્યા હતા. તો નગરપાલિકાના મુખ્ય અધિકારીએ કાગળોને અમાન્ય ગણી વેપારીઓની દુકાનો પાડી દીધી હતી. જેમાં વેપારીઓએ વિરોધ કરતા પોલીસ તેમજ વેપારીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જે બોલાચાલી વધતા પોલીસે વેપારીઓ ઉપર લાઠીચાર્જ કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.
વેપારીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પ્રકાશ પ્લાઝાના બિલ્ડર પ્રકાશ મરાઠી દ્વારા ચીફ ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓને પૈસા આપી ખોટી રીતે અમારી દુકાનો પાડી દેવામાં આવી છે. જેમાં એક વેપારીએ તો આત્મવિલોપનની ચીમકી પણ આપી દીધી હતી. તેમ છતાં પોલીસ તેમજ અધિકારીઓ વેપારીઓને પકડી પકડીને વાનમાં પૂરી દઈ કલોલ શહેર પોલીસ સ્ટેશન ભેગા કરી દેવામાં આવ્યા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં થયેલા આ બનાવ કલોલમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.